દેશમાં ગેરકાયદે ઘુસણખોરી અને અસ્વાભાવિક વસ્તી પરિવર્તન (Unnatural Demographic Change)ના મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2025ના રોજ કરાયેલી જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ‘હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જ’ની રચના કરી છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ આ કમિટી દેશભરમાં ગેરકાયદે સ્થળાંતર અને અન્ય અસામાન્ય કારણોસર સર્જાતા વસ્તી પરિવર્તનના મુદ્દાનો વ્યાપક અભ્યાસ કરશે અને તેના રાષ્ટ્રીય સુરક્ષા તથા સામાજિક માળખા પર પડતા પ્રભાવનું વિશ્લેષણ કરશે.
નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રકાશ નવલેકર રહેશે અધ્યક્ષ
સરકાર દ્વારા રચાયેલી આ ઉચ્ચસ્તરીય કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રકાશ પ્રભાકર નવલેકરની નિમણૂક કરવામાં આવી છે.
કમિટીમાં જનગણના કમિશનર ઉપરાંત પૂર્વ IAS અધિકારી દુર્ગા શંકર મિશ્રા, પૂર્વ IPS અધિકારી બાલાજી શ્રીવાસ્તવ અને જાણીતા અર્થશાસ્ત્રી તથા નીતિ વિશ્લેષક સમિકા રવિને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયના Foreigners-I વિભાગના સંયુક્ત સચિવને કમિટીના સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે, અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા
ડેમોગ્રાફિક ચેન્જને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયો મુદ્દો
કેન્દ્ર સરકારના નિવેદન મુજબ ડેમોગ્રાફિક ચેન્જ માત્ર વસ્તીનો મુદ્દો નથી, પરંતુ તે દેશની સંપ્રભુતા, રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને સામાજિક માળખા સાથે સીધો સંબંધ ધરાવે છે.
સરકારનું માનવું છે કે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે ઘુસણખોરી અને અસામાન્ય સ્થળાંતરના કારણે સ્થાનિક જનસાંખ્યિક માળખામાં ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યા છે, જે ભવિષ્યમાં સામાજિક અને સુરક્ષા સંબંધિત પડકારો ઊભા કરી શકે છે.
ખાસ કરીને આદિવાસી અને સ્થાનિક સમાજોના સંરક્ષણ સાથે જોડાયેલા મુદ્દાઓને પણ કમિટી ગંભીરતાથી અભ્યાસ કરશે.
સમગ્ર દેશમાં થશે અભ્યાસ
કમિટી દેશભરમાં ધાર્મિક અને સામાજિક સમુદાયો વચ્ચે થતા અસામાન્ય વસ્તી પરિવર્તનના પેટર્નનું વિશ્લેષણ કરશે. ઉપરાંત ગેરકાયદે પ્રવેશ, સરહદી વિસ્તારોમાં વસ્તી વધારો અને લાંબા ગાળાના ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે.
સરકારના જણાવ્યા મુજબ કમિટી સમયબદ્ધ અને વ્યવસ્થિત ઉકેલો રજૂ કરશે જેથી ભવિષ્યમાં આવા પડકારોને નિયંત્રિત કરી શકાય.
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા : મહેસાણાની મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ
રાજકીય અને સામાજિક ચર્ચા તેજ
કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી આ કમિટી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સમર્થકોનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને વસ્તી સંતુલન જેવા મુદ્દાઓ પર લાંબા ગાળાની નીતિ જરૂરી છે.
જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે આવા મુદ્દાઓ પર આંકડાકીય અને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સામાજિક સંવેદનશીલતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: સુરતના કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતીમાં રચ્યો ઇતિહાસ! : 50થી વધુ જાતની કેળથી લાખોની આવક, જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'
આગામી સમયમાં આપી શકે મહત્વપૂર્ણ ભલામણો
આ કમિટી ભવિષ્યમાં કેન્દ્ર સરકારને ગેરકાયદે સ્થળાંતર, વસ્તી પરિવર્તન અને સરહદી સુરક્ષા સંબંધિત નીતિગત ભલામણો આપી શકે છે. ખાસ કરીને સરહદી રાજ્યો અને સંવેદનશીલ વિસ્તારોમાં જનસાંખ્યિક પરિવર્તનના મુદ્દાઓ પર કમિટીની રિપોર્ટ મહત્વપૂર્ણ બની શકે છે.
હાલ સરકાર તરફથી કમિટીને ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી છે કે નહીં તે અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.





