Tamil Nadu News: તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં એક દસ વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા અત્યંત ક્રૂર દુષ્કર્મ અને હત્યાના મામલાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ જઘન્ય અપરાધને લઈને સામાન્ય નાગરિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને વિરોધ પક્ષો દ્વારા સરકારને કઠેરામાં ઉભી કરવામાં આવી રહી છે. આટલી ગંભીર ઘટના વચ્ચે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સ હવે વિવાદના વંટોળમાં ફસાઈ છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન મહિલા પોલીસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડખડાટ હસતા જોવા મળ્યા, જેના વીડિયો વાયરલ થતાં જ લોકોની સંવેદનાઓ દુભાઈ છે.
એક તરફ શોકગ્રસ્ત પરિવાર ન્યાય માટે ટળવળી રહ્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓનું આ પ્રકારનું અસંવેદનશીલ વલણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને લોકોમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. નાગરિકો સવાલ કરી રહ્યા છે કે, શું એક માસૂમ બાળકીના મોત પર હસવું એ ખાખી વર્દીની ગરિમાને અનુરૂપ છે? આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના રક્ષકોની માનસિકતા સામે અનેક સવાલો ખડા કરી દીધા છે.
શું છે સમગ્ર ઘટના?
તમિલનાડુના કોઈમ્બતૂરના સુલુર વિસ્તારમાં 21 મે 2026ના રોજ 10 વર્ષની બાળકી રહસ્યમય સંજોગોમાં પોતાના ઘરની બહારથી ગુમ થઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ 22 મેના રોજ તેનો મૃતદેહ કન્નમપલાયમ તળાવ પાસે મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને શરીર પરના ઈજાના નિશાનોએ આ ઘટનાની ભયાનકતા સ્પષ્ટ કરી હતી કે બાળકીને કેટલા ક્રૂર દુષ્કર્મનો સામનો કરવો પડ્યો હશે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી પાડોશી હોવાનું સામે આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં પોલીસની 'મજાક-મસ્તી'
મામલાની ગંભીરતાને જોતા પોલીસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ બ્રીફિંગમાં વેસ્ટ ઝોનના આઈજી અને એક મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીઓ હાજર હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓ ગંભીર દેખાવાને બદલે એકબીજા સાથે ખડખડાટ હસતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકોનું કહેવું છે કે, આ અધિકારીઓ જાણે કોઈ ગંભીર કેસ વિશે નહીં પણ પિકનિક વિશે વાત કરી રહ્યા હોય તેવું તેમનું વર્તન હતું.
પરિવારના ગંભીર આક્ષેપો અને સરકારની સ્થિતિ
બાળકીની માતાએ પોલીસ તપાસની રીત અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. માતાનો આરોપ છે કે તેમની મંજૂરી વિના અનેક નિર્ણયો લેવામાં આવ્યા અને તેમને સાચી માહિતી આપવામાં આવી ન હતી. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તમામ કાયદાકીય પ્રક્રિયા પિતાની સહી બાદ જ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના ઉદ્યોગ મંત્રી એસ. કીર્તનાનો પણ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પ્રશ્નોના જવાબ આપતી વખતે હસતા જોવા મળ્યા હતા, જેને ભાજપના નેતાઓએ 'ઉપેક્ષાપૂર્ણ' વલણ ગણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર જનતાનો આક્રોશ
વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સે આ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. એક યુઝરે લખ્યું, "આઈપીએસ અધિકારીઓ આટલા બધા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે?" અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, સતત હિંસા અને ગુનાઓનો સામનો કરવાને કારણે કદાચ આ લોકોની અંદરની સંવેદના મરી પરવારી છે. આ આક્રોશને જોતા મુખ્યમંત્રી વિજયે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજીને તપાસ ઝડપી બનાવવા અને ગુનેગારોને ફાંસી સુધી પહોંચાડવા માટે કડક નિર્દેશ આપ્યા છે. જોકે, પોલીસ અને વહીવટી તંત્રના આ અસંવેદનશીલ વ્યવહારે રાજ્યની જનતાના મનમાં કાયદાની વ્યવસ્થા પ્રત્યે અવિશ્વાસ જન્માવ્યો છે.





