શુવેંદુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં સસ્તું ભોજન ઉપલબ્ધ કરાવવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યભરમાં શરૂ થનારી આશરે 400 કેન્ટીનમાં લોકોને માત્ર ₹5માં માછલી અને ભાત આપવામાં આવશે. આ યોજના ખાસ કરીને સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
આ જાહેરાત બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં માછલી, માંસ અને ઈંડા જેવા ખાદ્ય મુદ્દાઓને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યાં હતા. બંગાળમાં માછલી-ભાત માત્ર ભોજન નહીં પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
'બંગાળની સંસ્કૃતિ સાથે ભાજપ'નો સંદેશ
ભારતીય જનતા પાર્ટી સામે અગાઉ તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જો ભાજપ સત્તામાં આવશે તો બંગાળમાં માછલી, માંસ અને ઈંડા પર પ્રતિબંધ લગાવી દેવાશે. જોકે ભાજપે આ આરોપોને સખતપણે નકારી કાઢ્યા હતા.
ભાજપના નેતાઓએ અનેક પ્રસંગોએ જાહેર મંચો પર 'માછ-ભાત' ભોજનમાં ભાગ લઈને બંગાળની સંસ્કૃતિ અને સ્થાનિક ખાદ્ય પરંપરાનું સન્માન કર્યું હતું. ભાજપના કેટલાક મોટા નેતાઓએ ચૂંટણી રેલીઓ દરમિયાન પણ માછલી સાથે પ્રચાર કર્યો હતો, જેથી લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે કે પાર્ટી બંગાળની પરંપરાઓ વિરુદ્ધ નથી. હવે ₹5માં માછલી-ભાત આપવાની જાહેરાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય લોકોમાં સીધી અસર ઉભી કરી શકે છે.
આ પણ વાંચો: ડેમોગ્રાફિક ચેન્જ મુદ્દે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : હાઈ લેવલ કમિટીની રચના
'મા કેન્ટીન' યોજના ફરી ચર્ચામાં
પશ્ચિમ બંગાળમાં પહેલેથી જ ચાલતી મા કેન્ટીન યોજના ફરી ચર્ચામાં આવી છે. વર્ષ 2021માં રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને માત્ર ₹5માં ભોજન આપવામાં આવે છે. સામાન્ય રીતે બપોરે 12:30થી 3:00 વાગ્યા સુધી ચાલતી આ કેન્ટીનમાં ભાત, દાળ, શાકભાજી અને ઇંડા કરી આપવામાં આવે છે.
રાજ્યમાં આ યોજના ખૂબ લોકપ્રિય બની હતી અને મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે. રાજ્ય સરકારે આ યોજના માટે 2021ના બજેટમાં આશરે ₹100 કરોડની જોગવાઈ પણ કરી હતી. સરકારનું કહેવું હતું કે સસ્તું અને પોષણયુક્ત ભોજન દરેક સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં રાજકીય ભૂકંપ! : AIADMK ના 4 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા, શું વિજયની TVK ને મળશે ફાયદો?
યોજના પર રાજકીય વિવાદ
આ યોજના શરૂઆતથી જ રાજકીય ચર્ચાનો વિષય બની રહી છે. ભાજપના નેતાઓએ અગાઉ આ યોજનાને ચૂંટણી પૂર્વેની રાજકીય રણનીતિ ગણાવી હતી. કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આવી યોજનાઓ મતદારોને પ્રભાવિત કરવા માટે લાવવામાં આવે છે. જોકે તૃણમૂલ કોંગ્રેસ સતત દાવો કરતી રહી છે કે “મા કેન્ટીન” ગરીબ લોકો માટે કલ્યાણકારી યોજના છે અને હજારો લોકો માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે.
હવે શુવેંદુ અધિકારીની નવી '₹5માં માછલી-ભાત' યોજના અને પહેલેથી ચાલતી 'મા કેન્ટીન' વચ્ચે રાજકીય સરખામણીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં ખાદ્ય અને કલ્યાણકારી યોજનાઓ આગામી રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો: શું ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશે? : ઇબોલા વાયરસને લઈ ભારત હાઈ એલર્ટ પર, DGCA દ્વારા નવી SOP જાહેર
સામાન્ય લોકો માટે રાહત કે રાજકીય દાવ?
વધતી મોંઘવારી વચ્ચે સસ્તું ભોજન ઉપલબ્ધ કરાવતી યોજનાઓ સામાન્ય લોકો માટે રાહત રૂપ બની શકે છે. ખાસ કરીને દૈનિક મજૂરી કરતા લોકો, ગરીબ વર્ગ અને શહેરોમાં કામ કરતા શ્રમિકો માટે આવી યોજનાઓ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ સાથે જ આવી જાહેરાતો પાછળના રાજકીય હેતુઓ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આગામી સમયમાં રાજ્ય સરકાર આ યોજનાને કેવી રીતે અમલમાં મૂકે છે અને તેનો કેટલો વ્યાપ થાય છે તેના પર સૌની નજર રહેશે.
ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને કડક નિવેદન
આ જ કાર્યક્રમ દરમિયાન શુભેંદુ અધિકારીએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોના મુદ્દે પણ કડક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગેરકાયદે રીતે રાજ્યમાં રહેતા લોકોને સીધા બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે અને તેમને જેલમાં રાખીને સરકાર પૈસા ખર્ચશે નહીં.
તેમણે કહ્યું કે આખરે જેલમાં રાખીને તેમના પર ખર્ચ કેમ કરવો? તેમના આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સરહદ અને ગેરકાયદે ઘુસણખોરીનો મુદ્દો લાંબા સમયથી રાજકીય ચર્ચાનો કેન્દ્ર રહ્યો છે. વિપક્ષી પક્ષોએ આ નિવેદનને લઈને ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે, જ્યારે ભાજપ સમર્થકોનું કહેવું છે કે રાજ્યની સુરક્ષા અને ગેરકાયદે પ્રવેશ રોકવા માટે કડક વલણ જરૂરી છે.





