Home Business India Gdp Growth Economy Analysis 2025 Milestones

ભારતીય અર્થતંત્ર માટે 2025નું વર્ષ ઐતિહાસિક સાબિત થયું : GDPમાં જંગી ઉછાળો, મોંઘવારીમાં ઘટાડા સાથે દેશે રચ્યો નવો વિક્રમ

ભારતીય અર્થતંત્ર માટે 2025નું વર્ષ ઐતિહાસિક સાબિત થયું
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 03:30 PM IST

ભારતીય અર્થવ્યવસ્થા માટે વર્ષ 2025 એક સુવર્ણકાળ સમાન સાબિત થયું છે, જેને આવનારા અનેક વર્ષો સુધી એક મજબૂત આર્થિક પાયા તરીકે યાદ રાખવામાં આવશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વાર્ષિક સમીક્ષા મુજબ, આ વર્ષે આર્થિક વિકાસની તેજ ગતિ, અંકુશમાં રહેલી મોંઘવારી, નિકાસમાં થયેલો વધારો અને લેબર માર્કેટમાં જોવા મળેલો સુધારો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 8.2 ટકા નોંધાયો છે, જે છેલ્લા 6 વર્ષની સર્વોચ્ચ સપાટી છે.

મજબૂત અર્થતંત્રના પાયાના સંકેત

વૈશ્વિક સ્તરે વેપારમાં અનેક પડકારો હોવા છતાં, સ્થાનિક સ્તરે માગમાં થયેલા વધારાએ અર્થતંત્રને ગતિ આપી હતી. જેના કારણે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. આખા વર્ષ દરમિયાન મોંઘવારીનો દર નીચલા સ્તરે જળવાઈ રહ્યો હતો. જાન્યુઆરી 2025માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 4.26 ટકા હતો, જે નવેમ્બર મહિના સુધીમાં ઘટીને આશરે 3.55 ટકા પર આવી ગયો હતો. જથ્થાબંધ મોંઘવારી દર પણ નિયંત્રણમાં રહેતા ભાવોમાં સ્થિરતા જોવા મળી હતી, જેના પરિણામે RBI માટે પોલિસી રેટમાં રાહત આપવાનો માર્ગ મોકળો થયો હતો.

રોજગારીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ

રોજગારના મોરચે પણ ભારતે વર્ષ 2025માં સારા પરિણામો મેળવ્યા છે. નવેમ્બર 2025માં બેરોજગારીનો દર ઘટીને 4.7 ટકા પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબર મહિનામાં 5.2 ટકા જેટલો ઊંચો હતો. એપ્રિલ 2025 પછીનો આ સૌથી મોટો સુધારો માનવામાં આવે છે. નિકાસના ક્ષેત્રમાં પણ ભારતની પકડ મજબૂત બની છે. નવેમ્બર મહિનામાં ચીજવસ્તુઓની નિકાસ વધીને 38.13 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. બીજી તરફ, સર્વિસ સેક્ટરમાં ભારતીય સોફ્ટવેર અને બિઝનેસ સર્વિસીસની વૈશ્વિક માગમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.

અર્થતંત્રમાં "ગોલ્ડિલૉક્સ મુવમેન્ટ"નો પ્રારંભ

સરકારે વર્તમાન આર્થિક સ્થિતિને "ગોલ્ડિલૉક્સ મુવમેન્ટ" તરીકે ઓળખાવી છે, જેમાં મજબૂત માગ અને નિયંત્રિત મોંઘવારી વચ્ચે સચોટ સંતુલન જળવાયેલું છે. આ કડીમાં, સ્થાનિક ઉત્પાદનને માપતા ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) માં પણ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.1 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સિંહફાળો રહ્યો છે.

સમગ્ર રીતે જોતા, ભારતની જીડીપી હવે 4.18 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે જ ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યું છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભારતીય અર્થતંત્ર આગામી સમયમાં પણ વધુ મજબૂતી સાથે વૈશ્વિક સ્તરે પોતાનું પ્રભુત્વ જાળવી રાખશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now