Home National India First Green Hydrogen Train How It Works Gujarati

દેશની પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ટ્રેનને આજે મળશે લીલી ઝંડી : જાણો શું છે હાઈડ્રોજન ટ્રેન અને સામાન્ય ટ્રેનથી કેટલી છે અલગ?

ગ્રીન હાઇડ્રોજન ટ્રેનની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jul 17, 2026, 01:30 AM IST

ભારતીય રેલવે હરિત પરિવહન ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. દેશની પ્રથમ ગ્રીન હાઈડ્રોજનથી સંચાલિત ટ્રેન હવે સેવાની શરૂઆત માટે તૈયાર છે. 17 જુલાઈના રોજ હરિયાણાના જીંદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. હાઈડ્રોજન ઈંધણ પર દોડનારી આ ટ્રેનને ભારતીય રેલવે માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે, કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ધુમાડા કે કાર્બન ઉત્સર્જન વગર દોડશે.

આ ટ્રેન ભારતીય રેલવેની 'હાઈડ્રોજન ફોર હેરિટેજ' પહેલનો મહત્વપૂર્ણ ભાગ છે. આ પહેલનો મુખ્ય હેતુ એવા રેલવે રૂટ પર પર્યાવરણમૈત્રી પરિવહન ઉપલબ્ધ કરાવવાનો છે, જ્યાં વીજળીકરણ કરવું મુશ્કેલ અથવા ખૂબ ખર્ચાળ હોય. ભારત હવે જર્મની, ચીન અને અન્ય કેટલાક દેશોની હરોળમાં સામેલ થવા જઈ રહ્યું છે, જેમણે હાઇડ્રોજન આધારિત રેલવે ટેકનોલોજી અપનાવવાની શરૂઆત કરી છે.

શું છે હાઈડ્રોજન ટ્રેન?

હાઈડ્રોજન ટ્રેન સામાન્ય ડીઝલ ટ્રેન જેવી નથી. તે હાઈડ્રોજન ગેસ અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરીને ચાલે છે. ટ્રેનમાં વિશેષ પ્રકારના ફ્યુઅલ સેલ (Fuel Cell) લગાવવામાં આવે છે, જેમાં હાઈડ્રોજન ગેસ અને હવામાં રહેલો ઓક્સિજન ભેગા થતાં વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી ટ્રેનના ઈલેક્ટ્રિક મોટરને ચલાવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારનો કાર્બન ડાયોક્સાઈડ, ઝેરી ધુમાડો અથવા અન્ય પ્રદૂષક વાયુ બહાર નીકળતા નથી. તેના બદલે માત્ર પાણીની વરાળ (વોટર વેપર) અને થોડી ગરમી ઉત્પન્ન થાય છે. એટલે હાઇડ્રોજન ટ્રેનને ઝીરો એમિશન ટ્રેન પણ કહેવામાં આવે છે.

સામાન્ય ટ્રેનથી કેટલી અલગ?

ભારતમાં હાલમાં મોટાભાગની ટ્રેનો ડીઝલ અથવા વીજળીથી સંચાલિત છે. ડીઝલ ટ્રેનોમાં ઈંધણ બળવાથી કાર્બન ઉત્સર્જન થાય છે, જ્યારે ઈલેક્ટ્રિક ટ્રેનો માટે ઓવરહેડ વીજ લાઇન અને ભારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે.તેની સામે હાઈડ્રોજન ટ્રેનમાં ઓવરહેડ વાયર વગર પણ ટ્રેન દોડી શકે છે. જ્યાં વીજળીકરણ કરવું મુશ્કેલ હોય અથવા ખર્ચાળ હોય ત્યાં આ ટેકનોલોજી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત ડીઝલ ટ્રેનની જેમ હાઈડ્રોજન ટ્રેનમાં પણ થોડા જ સમયમાં ઈંધણ ફરીથી ભરી શકાય છે, જેના કારણે લાંબા સમય સુધી ચાર્જ થવાની રાહ જોવાની જરૂર રહેતી નથી.

આ પણ વાંચો: ISROમાંથી કેમ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે રાજીનામા? : એક વર્ષમાં 100થી વધુ નિષ્ણાતોએ છોડી સંસ્થા, સરકારે લીધું મોટું પગલું

ટ્રેનની ખાસિયતો

ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયેલી આ ટ્રેનને 10 કોચના હાઇડ્રોજન સંચાલિત DEMU (ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં કુલ 682 બેઠકો ઉપલબ્ધ છે, જ્યારે એક સમયે આશરે 2,600 મુસાફરો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ટ્રેનની મહત્તમ સંચાલન ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ ગતિ હેરિટેજ તથા ટૂંકા અંતરના રૂટ માટે યોગ્ય માનવામાં આવે છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ અન્ય રૂટ પર પણ વિસ્તારી શકાય તેવી શક્યતા છે.

પર્યાવરણ માટે કેમ મહત્વપૂર્ણ?

વિશ્વભરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પરિવહન ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ બાદ હવે રેલવે ક્ષેત્રમાં પણ ગ્રીન એનર્જી તરફ ઝડપથી આગળ વધવામાં આવી રહ્યું છે. હાઈડ્રોજન ટ્રેન સંપૂર્ણપણે પર્યાવરણમૈત્રી હોવાથી હવાપ્રદૂષણ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને ડીઝલ ટ્રેનોના સ્થાને આવી ટ્રેનોનો ઉપયોગ વધે તો કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે. સાથે જ અવાજનું પ્રદૂષણ પણ પ્રમાણમાં ઓછું રહે છે.

આ પણ વાંચો: સોનમ વાંગચુકના લાંબા ઉપવાસથી તબિયત પર અસર : છતાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી, ઇન્સ્ટાગ્રામ પર ખાસ વીડિયો પણ શેર કર્યો

'હાઇડ્રોજન ફોર હેરિટેજ' પહેલ શું છે?

ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી 'હાઈડ્રોજન ફોર હેરિટેજ' પહેલનો ઉદ્દેશ હેરિટેજ અને નોન-ઇલેક્ટ્રિફાઇડ રૂટ પર ગ્રીન એનર્જી આધારિત ટ્રેનો દોડાવવાનો છે. જ્યાં વીજળીકરણ કરવું આર્થિક રીતે શક્ય નથી અથવા ટેક્નિકલ પડકારો છે, ત્યાં હાઈડ્રોજન ટ્રેન અસરકારક વિકલ્પ બની શકે છે. આ પહેલ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ ઊર્જા સુરક્ષા અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારત માટે કેમ છે ઐતિહાસિક?

દેશમાં પ્રથમ વખત હાઈડ્રોજન ઈંધણ પર ચાલતી ટ્રેનનું સંચાલન શરૂ થવું ભારતીય રેલવે માટે ટેકનોલોજીકલ માઈલસ્ટોન ગણાય છે. હરિત ઊર્જા, આધુનિક પરિવહન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં ભારતનું આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના જીંદથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ થશે, જ્યાં હાઇડ્રોજન આધારિત રેલવે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો વ્યાપ વધતાં ભારતીય રેલવે વધુ સ્વચ્છ, આધુનિક અને પર્યાવરણમૈત્રી બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now