ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પુરીમાં યોજાયેલી ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બે શ્રદ્ધાળુઓના મોત નાસભાગ અથવા ભીડ વ્યવસ્થાપનમાં કોઈ ખામીના કારણે થયા નથી. સમગ્ર ઉત્સવ દરમિયાન કોઈ સ્ટેમ્પીડ જેવી ઘટના બની નહોતી તેમ તેમણે જણાવ્યું.
બીમાર પડેલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ થાક, ડિહાઇડ્રેશન, ગૂંગળામણ અને વરસાદ સંબંધિત અન્ય આરોગ્ય સમસ્યાઓથી પીડાયા હતા. કુલ સાત શ્રદ્ધાળુઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે અન્ય એક 35 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. અન્ય તમામ શ્રદ્ધાળુઓ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
8થી 9 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન
રાજ્ય સરકારના અંદાજ મુજબ રથયાત્રામાં ઓડિશા ઉપરાંત દેશ-વિદેશમાંથી આશરે 8થી 9 લાખ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સતત વરસાદ છતાં ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શનના ત્રણેય રથોનું ખેંચાણ સહિત તમામ ધાર્મિક વિધિઓ સમયસર અને પરંપરા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી.
બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી
રથયાત્રા દરમિયાન પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર સર્વિસ, ODRAF, NDRF, પરિવહન વિભાગ અને નગરપાલિકા સહિતના વિવિધ વિભાગો દ્વારા બહુસ્તરીય સુરક્ષા અને વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી. CCTV સર્વેલન્સ, જાહેર સૂચના પ્રણાલી, ટ્રાફિક મેનેજમેન્ટ, પીવાના પાણી, સ્વચ્છતા અને ઇમરજન્સી મેડિકલ ટીમો પણ તૈનાત રાખવામાં આવી હતી.
પ્રશાસન અને સેવાયતોના પ્રયાસોની પ્રશંસા
મુખ્યમંત્રી માઝીએ પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ, સેવાયતો, સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓના સહયોગની પ્રશંસા કરતાં જણાવ્યું કે તમામના સંકલિત પ્રયાસોથી વિશ્વવિખ્યાત રથયાત્રા કોઈ મોટી અવ્યવસ્થા વિના સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અપીલ
ઓડિશા સરકારે રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર ફરતા ભ્રામક અને અપ્રમાણિત સંદેશાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. સરકારે જણાવ્યું કે કોઈપણ ઘટનાને લઈને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરે રચ્યો ઈતિહાસ : 24 કલાકમાં મળ્યું ₹96.98 કરોડનું દાન, જાણો કેમ અચાનક વધ્યું દાન
પરત યાત્રા માટે પણ તંત્ર સજ્જ
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની ગુંડિચા મંદિરથી મુખ્ય મંદિર તરફ નીકળનારી 'બહુડા યાત્રા'ને ધ્યાનમાં રાખીને પણ રાજ્ય સરકારે વિશેષ આયોજન શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ અને ભીડ વ્યવસ્થાપન માટે વધારાના પોલીસ દળ અને ઇમરજન્સી ટીમો તૈનાત રાખવામાં આવશે, જેથી આગામી ધાર્મિક કાર્યક્રમો પણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજાઈ શકે.





