Home Business India Eu Free Trade Agreement Mother Of All Deals Economy Impact

ભારત અને યુરોપિયન દેશો વચ્ચે થવા જઈ રહી છે 'મધર ઓફ ઓલ ડીલ્સ : જાણો આ ઐતિહાસિક વેપાર સમજૂતી વિશે બધું જ

ભારત અને યુરોપિયન દેશો વચ્ચે થવા જઈ રહી છે 'મધર ઓફ ઓલ ડીલ્સ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 02:15 PM IST

વિશ્વભરના આર્થિક માંધાતાઓ જ્યારે દાવોસમાં એકત્રિત થયા છે, ત્યારે ભારત અને યુરોપ વચ્ચેના એક સંભવિત કરારે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ કોઈ સામાન્ય સમજૂતી નથી પરંતુ તેને 'મધર ઓફ ઓલ ડીલ્સ' તરીકે ઓળખવામાં આવી રહી છે. જ્યારે વૈશ્વિક બજારમાં અસ્થિરતાનો માહોલ છે, ત્યારે આટલો મોટો આર્થિક નિર્ણય બંને પક્ષો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે.

દાવોસમાં કરવામાં આવેલી મોટી જાહેરાત

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે કે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી હવે તેના અંતિમ તબક્કામાં છે. અહેવાલો મુજબ આગામી 27 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વના બીજા દિવસે આ ઐતિહાસિક દસ્તાવેજ પર હસ્તાક્ષર થઈ શકે છે. આ સમજૂતી માત્ર આયાત-નિકાસ પૂરતી મર્યાદિત નથી પરંતુ તે વ્યુહાત્મક ભાગીદારી અને આર્થિક સંતુલન માટે પણ ચાવીરૂપ ગણાય છે.

શા માટે આ કરારને 'મધર ઓફ ઓલ ડીલ્સ' કહેવાય છે?

ભારત અને EU વચ્ચેના આ પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને આ નામ આપવા પાછળનું મુખ્ય કારણ તેનો વ્યાપ છે. આ ડીલ 2 અબજથી પણ વધુ ગ્રાહકો ધરાવતા વિશાળ બજારને એકબીજા સાથે જોડશે. જે વૈશ્વિક જીડીપીના અંદાજે 25% હિસ્સાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ કરારના અમલીકરણથી ડિફેન્સ, ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, આઈટી અને એગ્રીકલ્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં અગણિત નવી તકો સર્જાશે.

ભારતના ઉદ્યોગોને થશે સીધો ફાયદો

ભારતીય નિકાસકારો માટે આ સમજૂતી નવા દ્વાર ખોલનારી સાબિત થશે. યુરોપિયન માર્કેટમાં ભારતની પહોંચ વધવાથી ખાસ કરીને ટેક્સટાઇલ, ફૂટવેર, જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસમાં ધરખમ ઉછાળો આવવાની સંભાવના છે. આનાથી ભારતીય લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે. નિષ્ણાતોના મતે સંરક્ષણ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી શેરિંગ દ્વારા ભારત નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે.

યુરોપિયન કંપનીઓ માટે ભારતીય બજાર

યુરોપ માટે આ ડીલ ભારતના સતત વધી રહેલા મધ્યમ વર્ગ સુધી સીધી પહોંચ બનાવવાની તક છે. આ કરાર અંતર્ગત યુરોપિયન કંપનીઓને ઓટોમોબાઈલ અને અન્ય હાઈ-ટેક ઉપકરણો વેચવા માટે મોટું પ્લેટફોર્મ મળશે. બંને પક્ષો વચ્ચે રોકાણ અને આર્થિક સ્થિરતા વધારવા માટે આ સમજૂતી એક મજબૂત પાયો નાખશે તેવું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now