India Africa Summit postponed: આફ્રિકા ખંડમાં હાહાકાર મચાવી રહેલા જીવલેણ ઇબોલા વાયરસ (Ebola Virus) નો ખૌફ હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને મુત્સદ્દીગીરી સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક આરોગ્યની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતમાં આયોજિત પ્રતિષ્ઠિત ચોથી 'ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ' (IAFS) ને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય અને આફ્રિકન યુનિયન દ્વારા સંયુક્ત રીતે આ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો છે, કારણ કે આ સમિટમાં આફ્રિકાના ૪૦થી વધુ દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો અને હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ ભાગ લેવાના હતા.
આ સમિટ આગામી 28 થી 31 મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાવવાની હતી, જે ભારત અને આફ્રિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની તક ગણાતી હતી. દસ વર્ષના લાંબા ગાળા બાદ આટલી વિશાળ સ્તરની સમિટનું આયોજન થઈ રહ્યું હતું, જેને લઈને તૈયારીઓ પણ અંતિમ તબક્કે હતી. જોકે, આફ્રિકામાં ઇબોલાના વધતા કેસો અને તેના કારણે સર્જાયેલી વૈશ્વિક ચિંતાને પગલે, ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્થગિત કરવાનું યોગ્ય સમજ્યું છે.
10 વર્ષ બાદ યોજાવાની હતી ખાસ સમિટ, હવે રોડમેપ પાછળ ઠેલાયો
ભારત અને આફ્રિકાના સંબંધોના ઇતિહાસમાં આ સમિટ ખૂબ જ મહત્વની માનવામાં આવતી હતી. અગાઉ ૨૦૦૮, ૨૦૧૧ અને છેલ્લે ૨૦૧૫માં ત્રીજી સફળ સમિટ યોજાઈ હતી. પીએમ મોદીના નેતૃત્વમાં આફ્રિકન યુનિયન કમિશનના સહયોગથી દિલ્હીમાં ભારત-આફ્રિકા પાર્ટનરશિપનો એક નવો, આધુનિક રોડમેપ તૈયાર થવાનો હતો, જેમાં વેપાર, ટેકનોલોજી અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. આ સમિટ મોકૂફ રહેતા હવે આ તમામ ચર્ચાઓ અને દ્વિપક્ષીય સમજૂતીઓ આગામી સમય સુધી પાછળ ઠેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર ઈબોલા વાયરસનું હાઈ એલર્ટ: સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર
ભારતના એરપોર્ટ અને બંદરો પર 'હાઈ એલર્ટ', આરોગ્ય મંત્રાલયની કડક એડવાઈઝરી
ઇબોલાના આઉટબ્રેકને ગંભીરતાથી લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં તમામ એન્ટ્રી પોઈન્ટ્સ, એરપોર્ટ અને બંદરો પર કડક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને 'હાઈ રિસ્ક' કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સરકારી નિયમો અનુસાર, જો કોઈ પણ પ્રવાસી આ ત્રણ દેશોમાંથી સીધો અથવા ટ્રાન્ઝિટ થઈને ભારત આવી રહ્યો હોય, તો તેણે ઇમિગ્રેશન કાઉન્ટર પર જતા પહેલા એરપોર્ટ પરના હેલ્થ ડેસ્કને ફરજિયાત રિપોર્ટ કરવો પડશે. તંત્ર દ્વારા ઇબોલાના લક્ષણો જેવા કે તીવ્ર તાવ, શરીરમાં અસહ્ય અશક્તિ, સ્નાયુઓનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અને ગંભીર કિસ્સાઓમાં શરીરમાંથી લોહી નીકળવું જેવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી તપાસ માટે સૂચના આપવામાં આવી છે.
ભારત આફ્રિકાની પડખે: તબીબી અને આર્થિક મદદ માટે તૈયારી
ભલે સમિટ સ્થગિત કરવામાં આવી હોય, પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે આ મુશ્કેલ સમયમાં આફ્રિકાની પ્રજાની સાથે મજબૂતીથી ઊભું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત આફ્રિકામાં વાયરસને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં સંપૂર્ણ સહયોગ આપશે. ભારત આફ્રિકાને જરૂરી તબીબી સાધનો, દવાઓ અને આર્થિક મદદ પૂરી પાડવા માટે સજ્જ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇબોલા જેવી મહામારી સામે લડવા માટે ભારતની આ તત્પરતા એક જવાબદાર દેશ તરીકેની છબી રજૂ કરે છે.





