IND vs AFG 2nd ODI Match : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં પ્રથમ ઇનિંગ રમાઈ ચૂકી છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં ભારતીય ટીમે ધમાકેદાર બેટિંગ કરીને અફઘાનિસ્તાન સામે રનનો પહાડ ખડકી દીધો છે. કેપ્ટન શુભમન ગિલ અને ઇશાન કિશનની તોફાની સદીઓની મદદથી ભારતે અફઘાનિસ્તાનને જીતવા માટે 403 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ 49.5 ઓવરમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે, અને હવે બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાનની ટીમ આ મોટા સ્કોરનો પીછો કરવા મેદાનમાં ઉતરશે.
ભારતની નબળી શરૂઆત અને રોહિતની ઇનિંગ
મેચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ ઇનિંગને સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી થઈ હતી. રોહિત શર્મા પોતાની ફિફ્ટી ચૂક્યો હતો અને 39 બોલમાં 48 રન બનાવીને રાશિદ ખાનની ગુગલી પર બોલ્ડ થયો હતો. પ્રથમ 10 ઓવરના પાવરપ્લેમાં ભારતે 1 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા.
ગિલ અને ઇશાનનું તોફાન
રોહિત શર્માના આઉટ થયા પછી ઇશાન કિશને ક્રીઝ પર આવીને ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. તેણે 52 બોલમાં પોતાની વનડે કરિયરની 8મી હાફ સેન્ચુરી પૂરી કરી હતી જ્યારે કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની 19મી હાફ સેન્ચુરી ફટકારેલી. બંને બેટર્સે અફઘાનિસ્તાનના બોલરો પર આક્રમણ ચાલુ રાખ્યું અને 33મી ઓવરમાં બંનેએ સાથે પોતાની સદી પૂરી કરી હતી. ગિલે 77 બોલમાં અને ઇશાને 71 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 224 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી, જેણે ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.
બંને સેન્ચુરિયન બેટર્સ આઉટ
ઇશાન કિશન 79 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 125 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે વનડે ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા હતા. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ ચાલુ રાખીને 108 બોલમાં પોતાના 150 રન પૂરા કર્યા હતા. ગિલ 110 બોલમાં 154 રન બનાવીને નાંગેલિયા ખરોટેની ઓવરમાં આઉટ થયો હતો. ગિલે 16 મહિના પછી વનડેમાં સદી ફટકારી છે.
અફઘાનિસ્તાનની બોલિંગ અને ભારતનો મધ્યમ ક્રમ
અફઘાનિસ્તાન તરફથી સ્પિનર નાંગેલિયા ખરોટેએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેણે 43મી ઓવરમાં સતત બે બોલ પર શુભમન ગિલ અને કેએલ રાહુલ (0 રન) ને આઉટ કરીને ભારતની રન ગતિ પર થોડો બ્રેક લગાવ્યો હતો. આ સિવાય તેણે શ્રેયસ અય્યરને પણ 26 રન પર આઉટ કરીને ચોથી સફળતા મેળવી હતી. શ્રેયસ ઐયરે આ મેચમાં પોતાના 3000 વનડે રન પૂરા કર્યા છે. રાશિદ ખાને ગુરનૂર બરારને 3 રન પર આઉટ કર્યો હતો, જેના કારણે ભારતની ટીમ 402 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
લખનઉનું હવામાન અને પિચ રિપોર્ટ
લખનઉના એકાના સ્ટેડિયમની પિચ મિક્સ્ડ-સોઈલ (મિશ્રિત માટી) ની બનેલી છે, જ્યાં પ્રથમ ઇનિંગમાં બેટર્સને પિચ તરફથી પૂરો સાથ મળ્યો છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. બપોરના સમયે તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું જે રાત્રે ઘટીને 33 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી 5 વનડે મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 4 જીતી છે અને 1 મેચ ટાઈ રહી છે. હવે બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાન માટે 403 રનનો ચેઝ કરવો મોટો પડકાર રહેશે.
બંને ટીમની પ્લેઇંગ-11:
ભારત (IND) : યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ (ડેબ્યૂ).
અફઘાનિસ્તાન (AFG) : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી, રાશીદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી.





