Botad Crime News : બોટાદમાં સગીરા માતા બનવાની શરમજનક ઘટના સામે આવતા સમગ્ર જિલ્લોમાં હલચલ મચી છે. ઘટનાની ગંભીરતા જોતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તરત જ બોટાદ પહોંચ્યું હતું. આયોગના મેમ્બર કમલેશભાઈ રાઠોડે પીડિત સગીરા અને તેના પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે જિલ્લા કલેક્ટર અને એસપી સાથે બેઠક કરી અને કેસમાં ઝડપથી ન્યાય મળે તે માટે ચોક્કસ સૂચનાઓ આપી હતી.
આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ
આયોગે પોલીસને ત્વરિત ચાર્જશીટ દાખલ કરવાની, પીડિતા અને બાળકનો ડી.એન.એ. ટેસ્ટ વહેલી તકે પૂર્ણ કરવાની અને કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિયુક્ત કરવાની ભલામણ કરી. સાથે જ પીડિતાના પુનઃસ્થાપન તથા જન્મેલા બાળકની સંપૂર્ણ જવાબદારી સરકાર નિભવશે તેવું પણ સ્પષ્ટ કર્યું. બાળક હાલમાં સારવાર હેઠળ છે અને બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તેને સરકાર પોતાની કસ્ટડીમાં લઈ યોગ્ય સંભાળ કરશે. આયોગના જણાવ્યા મુજબ, આ કેસમાં આરોપીને કડકમાં કડક દાખલારૂપ સજા થાય તે માટે તંત્ર જરૂરી તમામ કાર્યવાહી કરી રહ્યું છે.
આરોપી જેલ હવાલે
ઘટનાની માહિતી મુજબ, 70 વર્ષિય અરજણ ખોડાભાઈ પટેલે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરી તેને હવસનો શિકાર બનાવી હતી. થોડા દિવસો પહેલા સગીરાને તીવ્ર પેટદર્દ થતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન સગીરાએ બાળકને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને 1 ડિસેમ્બરે આરોપી સામે ગુનો નોંધાયો. ત્યારબાદ 2 ડિસેમ્બરે પોલીસએ આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો. સમગ્ર ઘટનાને લઈને તંત્ર સતર્ક બન્યું છે અને પીડિતાને ન્યાય મળે તે માટે ઝડપી અને દૃઢ પગલાં લેવામાં આવી રહ્યા છે.






