Home Gujarat Inauguration Of Tapi Karjan Link Pipeline Irrigation Project

તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજનાનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 73 આદિવાસી ગામોની 53 હજાર 500 એકરથી વધુ જમીનને લિફ્ટ ઈરીગેશન સુવિધાનો લાભ

તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજનાનું લોકાર્પણ
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 01:11 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહવાન કર્યું છે. મુખ્યમંત્રી એ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના 73 આદિજાતિ ગામોની 53,750 એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહવાન કર્યું હતું.

ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજના રૂ.651.08 કરોડના ખર્ચે નિર્માણ થઈ છે તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રી એ રૂ. 208.51 કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ ઈ-તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના 29 ગામોની 19,141 એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદ ઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લામાં 126 કરોડ રૂપિયાના 12 જેટલા વિકાસકામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે વન અધિકાર નિયમ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને સનદ વિતરણ, પીએમએવાય આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાયનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા વિકાસની રાજનીતિનો યુગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયો છે. વિકાસની દરેક યોજનાના કેન્દ્રમાં તેમણે નાના માનવીના હિતોને પ્રાથમિક્તા આપી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદાના ડેડિયાપાડાના ગામોમા તો ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજનામાં 87 માળ જેટલી ઉંચાઈએથી પાણી પાઈપલાઈન દ્વારા લિફ્ટ કરીને આદિવાસી વિસ્તારોને સિંચાઈ માટે પુરું પાડવાનું ઈજનેરી કૌશલ્યયુક્ત આયોજન પણ વડાપ્રધાન ની વિઝનરી લીડરશીપથી પાર પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી એ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ સરળતાથી પહોંચાડવા વડાપ્રધાન એ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

એટલું જ નહિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે પાંચ વર્ષ માટે રૂ. 2 લાખ કરોડની ‘જનજાતીય કલ્યાણ યોજના’ની ભેટ આપી છે તેની તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. વાર્ષિક રૂ. 35,000 કરોડની જોગવાઈ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને આનાથી વધુ વેગ મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી એ કહ્યું કે, વિકાસની રાજનીતિના વડાપ્રધાન ના અભિગમથી આદિવાસી ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે. આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ-કોલેજો અને મેડિકલ કોલેજો શરૂ થવાથી આજે આદિવાસી દીકરા-દીકરીઓ એન્જિનિયર અને ડોક્ટર બની રહ્યા છે. પાયલટ બનવા માટે પણ સરકાર રૂ. 25 લાખ સુધીની લોન સહાય આપી રહી છે, તેનો લાભ લઈને આદિવાસી યુવાનો આસમાન સર કરી રહ્યા છે.

'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેય સાથે વિકાસકામોની સાથોસાથ દેશના ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એમ જણાવી મુખ્યમંત્રી એ રામ મંદિરના નિર્માણથી લઈને પાવાગઢના શિખર પર ધ્વજારોહણ સુધીના સાંસ્કૃતિક પૂન: જાગરણની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી એ પોતાના પ્રવચનની શરૂઆત રાજ્યના પૂર્વ મંત્રી અને ઉમરેઠના ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી હતી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. અમારી સરકાર 'નળ સે જલ' થી લઈને 'ખેતર સુધી જળ' પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં જે વિસ્તારોને નસીબને ભરોસે છોડી દેવાયા હતા, ત્યાં આજે ઈજનેરી કૌશલ્યથી આપણે લિફ્ટ ઈરીગેશન- પાણીને ઉદ્દવહન કરીને પહોંચાડી રહ્યા છીએ. જ્યારે ખેડૂતના ખેતરમાં બારેમાસ પાણી હશે, ત્યારે જ તે સમૃદ્ધ થશે અને તેનો લાભ રાજ્યના અર્થતંત્રને થશે.

મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, દેવમોગરા અને શબરીધામ જેવા ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. આદિવાસી સમાજની દિકરીઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. ભગવાન બિરસા મુંડાના નામે દરેક તાલુકામાં લાઇબ્રેરી સ્થાપવાની દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

પાણી પૂરવઠા, જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. પરિશ્રમ અને નક્કર આયોજન સાથે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલવામાં આવી છે.

મંત્રી એ કહ્યું હતું કે, રાજ્ય સરકારે 14,756 નાના ચેકડેમો બનાવી 1.52 લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. જ્યારે 735 મોટા ચેકડેમ ચેકડેમ દ્વારા 80,500 એકર વિસ્તારમાં પાણી પહોંચાડાયું છે. 3500 તળાવો ઊંડા કરી ખેડૂતોને પાણી મળતું રહે તે માટેની વ્યવસ્થા કરી છે.

પટેલે વધુમાં કહ્યું હતું કે, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના અંતરિયાળ વિસ્તારો માટે રૂ. 912 કરોડની ઉદવહન પાઈપલાઈન યોજનાનું કામ પ્રગતિમાં છે. આ યોજનાના લાભથી અંદાજિત 69 હજાર એકર વિસ્તાર અને 14,117 કુટુંબોને સીધો લાભ મળશે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ હોવા છતાં જાન્યુઆરી મહિનાથી પાણીની તંગી વર્તાય છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે વિવિધ નદીઓ પર આ વર્ષે રૂ.522 કરોડ ખર્ચે અંદાજિત 249 ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન છે, જેનાથી 16,990 એકર વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.

સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડૂતો માટે સકારાત્મક રહી છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદિનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડૂતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે. ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું સિંચાઈ યોજનાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજના સાકાર થવાથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારોના આંગણે સોનાનો સૂરજ ઊગ્યો છે. આ યોજના થકી પહાડી અને જંગલ વિસ્તારના છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચતા આ સમગ્ર વિસ્તાર નંદનવન બનશે અને પર્યાવરણ અને સંસ્કૃતિનુ જતન કરતા આદિવાસી સમાજના આદિવાસી ખેડૂતોની ખેતીનો કાયાકલ્પ થશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં અંદાજે 17 કિમી લાંબી પાઈપલાઈન નાખીને ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવાયું છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપશે. આ તબક્કે તેમણે શિક્ષણ ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં સાયન્સ કોલેજના અદ્યતન ભવનના નિર્માણ માટે રૂ. 27 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઇ ઢોડીયા, દર્શનાબેન દેશમુખ, મોહનભાઈ કોંકણી, સંદિપભાઈ દેસાઈ, જિ. પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, જળસંપતિ વિભાગના સચિવ પી.સી. વ્યાસ, સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, નર્મદા સુરત જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, અગ્રણીઓ ભરત રાઠોડ, નીલ રાવ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ, આદિજાતિ ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now