Home Gujarat Imran Khedawala Bhushan Bhatt Pakistan Remark Controversy

"ભૂષણ ભટ્ટને પાકિસ્તાન મોકલી દો" : કોંગ્રેસના ધારાસભ્યના નિવેદનથી રાજકીય ભૂકંપ, જાણો સ્વ.અશોક ભટ્ટ વિશે શું કહ્યું

ઈમરાન ખેડાવાલા, ભૂષણ ભટ્ટ અને અશોક ભટ્ટ
Published by: Chintan Chavda
Last Updated: Apr 12, 2026, 04:33 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પર આકરા પ્રહારો કરતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખેડાવાલાએ માત્ર પાકિસ્તાન મુદ્દે જ નહીં, પરંતુ ખાડિયાના વારસા અને ત્યાં વસતા બંગાળીઓ અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

ભાજપ પર 'પાકિસ્તાન'ના નામે રાજનીતિ કરવાનો આરોપ

એક ટીવી ડિબેટ દરમિયાન ઈમરાન ખેડાવાલાએ ભાજપની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, "જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે ભાજપને વિકાસના મુદ્દાઓને બદલે ભારત-પાકિસ્તાન, હિન્દુ-મુસ્લિમ અને આતંકવાદ જેવા મુદ્દાઓ જ દેખાય છે. ગુજરાતમાં વસતા મુસ્લિમોને પાકિસ્તાન સાથે કોઈ લેવા-દેવા નથી. અમે પેઢીઓથી અહીં રહીએ છીએ અને આ દેશ અમારો છે. પરંતુ ભાજપ હંમેશા 'હલકી રાજનીતિ' કરીને મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરે છે."

ભૂષણ ભટ્ટ વિરુદ્ધ આકરા પ્રહારો

ખેડાવાલાએ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, "ભૂષણ ભટ્ટ વારંવાર મુસ્લિમ વિસ્તારો અને પાકિસ્તાનનું નામ જોડીને ડર ફેલાવે છે. જો તેમને પાકિસ્તાન સાથે આટલો જ લગાવ હોય કે વારંવાર તેનું જ નામ લેવું હોય, તો તેમને જ પાકિસ્તાન મોકલી દો! અમે ભારતીય મુસ્લિમો પાકિસ્તાનથી નફરત કરીએ છીએ. અમારી તાકાત એટલી છે કે જો અમે લઘુશંકા કરીએ તો પાકિસ્તાનમાં પૂર આવી જાય."

આ પણ વાંચો: શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયું ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન? : ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેમ ઉભી થઈ આ ચર્ચા?

સ્વ. અશોક ભટ્ટને યાદ કર્યા અને ખાડિયાના પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરી

ખેડાવાલાએ આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક ભટ્ટને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, "સ્વર્ગસ્થ અશોક ભટ્ટ સાહેબે ખાડિયાના ખમીરને જીવંત રાખ્યું હતું. આજે જે હેરિટેજ ખાડિયા આપણે જોઈએ છીએ તે તેમની દેન છે. પરંતુ તેમના પુત્ર ભૂષણ ભટ્ટના શાસનમાં ખાડિયાનો વિનાશ થયો છે. રહેણાંક મકાનોને કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા અને બહારથી આવતા લોકો, ખાસ કરીને શંકાસ્પદ બંગાળીઓને અહીં વસાવવામાં આવ્યા."

બાંગ્લાદેશી અને બંગાળી ઘૂસણખોરીનો ગંભીર આક્ષેપ

ધારાસભ્ય ખેડાવાલાએ એક ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે, ખાડિયાની પોળો અને ચાલીઓમાં આજે જે મોટી સંખ્યામાં બંગાળીઓ અને બાંગ્લાદેશીઓ વસે છે, તેમને વસાવવામાં ભાજપના જ નેતાઓનો હાથ છે. તેમણે કહ્યું, "તમે એક તરફ મુસ્લિમોથી ડરાવો છો અને બીજી તરફ તમારા જ આશીર્વાદથી બંગાળીઓ અહીં વસી રહ્યા છે. જો તમારે નફરત જ કરવી હોય તો આ ઘૂસણખોરોથી કરો, ગુજરાતના મુસ્લિમોથી નહીં."

આ પણ વાંચો: વડોદરા ચૂંટણીમાં મોટો ડ્રામા : ફોર્મ ભરતા જ ઉમેદવારના પતિની ધરપકડ, પરિવારે મચાવ્યો હોબાળો.

સ્થાનિક મુદ્દાઓ પર ભાર

ખેડાવાલાએ વધુમાં ઉમેર્યું કે, આગામી ચૂંટણીઓ મહાનગરપાલિકાની છે, જે સ્થાનિક પ્રશ્નો માટે હોય છે. "આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે, લોકસભાની નહીં. અહીં લોકોના પ્રાથમિક પ્રશ્નો જેમ કે શુદ્ધ પીવાનું પાણી, રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યા અને ડ્રેનેજની સુવિધા મુખ્ય હોવા જોઈએ. અમદાવાદમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સનું આયોજન થવાનું હોય, ત્યારે આપણે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવી જોઈએ, નહીં કે પાકિસ્તાનની."

ઈમરાન ખેડાવાલાના આ નિવેદન બાદ ભાજપ તરફથી પણ આકરા વળતા પ્રહારની શક્યતા છે. ખાડિયા જેવી સંવેદનશીલ બેઠક પર આ પ્રકારની નિવેદનબાજી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ ઉગ્ર બનાવી શકે છે. શું આ વખતે જનતા વિકાસના મુદ્દે વોટ આપશે કે ફરી એકવાર ભારત-પાકિસ્તાન અને હિન્દુ-મુસ્લિમના મુદ્દાઓ હાવી થશે, તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now