Home Gujarat Impact Of Israel Iran War Import Export Operations Of More Than 1000 Companies In Vadodara Have Been Halted

Israel-Iran War ની અસર વડોદરામાં : 1000 થી વધુ કંપનીઓની આયાત-નિકાસ અટકી, 500 કરોડનો માલ અટવાયો

Israel-Iran War ની અસર વડોદરામાં
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 11:21 AM IST

અમેરિકા, ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે વધતા યુદ્ધજન્ય તણાવની સીધી અસર હવે મધ્ય ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઓળખાતા વડોદરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. શહેર અને આસપાસના ઉદ્યોગ વિસ્તારોમાંથી થતો નિકાસ લગભગ ઠપ્પ થઈ ગયો છે. દરિયાઈ માર્ગો પર અનિશ્ચિતતા સર્જાતા અનેક શિપિંગ કંપનીઓએ બુકિંગ બંધ કરી દીધાં છે, જ્યારે કેટલીક મલ્ટીનેશનલ શિપ કંપનીઓએ ઈન્શ્યોરન્સ કવરેજ રદ થતાં ઓપરેશન સ્થગિત કરી દીધાં છે.

ખાસ કરીને મિડલ ઈસ્ટ જવાનો મુખ્ય દરિયાઈ માર્ગ બંધ થવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. Strait of Hormuz મારફતે જતાં જહાજો માટે જોખમ વધી જતા અનેક શિપ રોકાઈ ગયાં છે. પરિણામે વડોદરાની મશીનરી, કેમિકલ, ફાર્મા, ઇજનેરી અને ઇલેક્ટ્રિકલ ઉત્પાદનો ભરેલા કન્ટેનરો બંદરો પર અટવાઈ ગયાં છે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો માલ હાલ હોલ્ડ પર હોવાનું ઉદ્યોગ વર્તુળોમાંથી જાણવા મળે છે.

વડોદરાની લગભગ 1000 કંપનીઓની આયાત-નિકાસ પર અસર પડી છે. દુબઈ મારફતે આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં જતો વેપાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે. તાંબુ, ઓઇલ સહિતના કાચા માલની આયાતમાં વિલંબ થવાની શક્યતા હોવાથી ઉત્પાદન ચક્ર પણ ખોરવાઈ શકે છે. ઉપરાંત, દુબઈમાં નોંધાયેલ આશરે 100 જેટલી કંપનીઓના પેમેન્ટ અને વ્યવહારો ફ્લાઇટ તથા શિપિંગ અવરોધને કારણે અટવાઈ રહ્યા છે.

ઉદ્યોગપતિઓ હાલ વિકલ્પ માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વધતા ભાડા અને લાંબા ટ્રાંઝિટ સમયને કારણે ખર્ચમાં મોટો વધારો થવાની ભીતિ છે.

આ સંદર્ભે VCCI ઉપપ્રમુખ હિમાંશુ પટેલ જાણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે નિકાસકારો ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. જો સ્થિતિ જલદી સામાન્ય નહીં બને તો નાના અને મધ્યમ ઉદ્યોગો પર સૌથી વધુ અસર પડશે.”

હાલમાં વડોદરાના ઔદ્યોગિક જગતમાં ચિંતાનો માહોલ છે અને વેપારીઓ સરકાર તરફથી સહાય અને સ્પષ્ટ માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now