મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરૈશી સામે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતા સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પી. પટેલે ઘટનાને નિંદનીય ગણાવીને માંગ ઉઠાવી છે કે "પ્રધાનમંત્રીએ સેનાનું અને તિરંગાનું અપમાન કરનારા ભાજપના નેતાઓને તરત જ પદ પરથી બરતરફ કરવા જોઈએ."
ગીતાબેન પટેલે જણાવ્યું કે કર્નલ સોફિયા કુરૈશી જેવી પ્રતિષ્ઠિત લશ્કરી અધિકારી સામે ભાજપના મંત્રી વિજય શાહની ટિપ્પણીઓ "મહિલાની તેમજ ભારતીય સેનાની ગરીમા પર સીધો હુમલો છે". તેમણે વધુમાં જણાવ્યું કે વિજય શાહની ટીકા માત્ર વ્યક્તિગત નહીં, પણ સમગ્ર મહિલા વર્ગ અને લશ્કર પ્રત્યે અશ્રદ્ધા વ્યક્ત કરે છે, જે ભારતીય સંસ્કૃતિ અને સમ્વેદનાને ખોટું પાડે છે.
તેઓએ ભારપૂર્વક કહ્યું કે, "મહિલા કોંગ્રેસ આ પ્રકારના અપમાનને સહન કરશે નહીં. જો ભાજપ સરકાર એવા નેતાઓ સામે તાત્કાલિક પગલાં નહીં ભરે તો આખા રાજ્યમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે."
ગીતાબેન પટેલે વિજય શાહ સિવાય અન્ય ભાજપના નેતાઓના નિવેદનો પર પણ આક્ષેપ કરતાં જણાવ્યું કે, "છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરાએ ભારતીય સેનાને પીએમના ચરણોમાં નમન કરતા ગણાવ્યા, જે સેનાનું અપમાન છે. એ ઉપરાંત ભાજપના સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તે દ્વારા આતંકવાદીઓને ‘પોતાના’ કહેવામાં આવ્યાં, જ્યારે જયપુરના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય તિરંગાથી પરસેવો લૂછતા નજરે પડ્યા હતા, જે શરમજનક છે."
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા ગીતાબેન પટેલે કહ્યું, "ભાજપના નેતાઓ સેનાનું અપમાન કરે છે, જ્યારે વડાપ્રધાન મૌન છે. આ મૌન સહમતિ સમાન છે. આવા નેતાઓને બરતરફ કરવાનું નેતૃત્વ હવે વધુ લંબાવવું નહીં જોઈએ."
વડોદરામાં કોંગ્રેસનો ‘ચૂંટણી ઢંઢેરો’ જાહેર: ખાડા મુક્ત રસ્તા, શુદ્ધ પાણી અને કરવેરામાં રાહતના વચનો સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ





