Home Gujarat Imd Alert Thunderstorms And Rain Forecast For Three Days In Gujarat Know Rain In Your City

ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી : જાણો 29 થી 31 માર્ચ દરમિયાન તમારા શહેરમાં વરસાદ પડશે કે નહીં?

IMD Alert
Published by: Nirali Gohil
Last Updated: Mar 28, 2026, 04:38 AM IST

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ધીમે-ધીમે વધી રહ્યો હતો, પરંતુ હવે કુદરતનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં આજથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. આ ફેરફારને કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને આંશિક રાહત મળશે. ખાસ કરીને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે.

તાપમાનમાં ઘટાડો અને વાદળછાયું આકાશ

હવામાન વિભાગના મતે, આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદના બે દિવસમાં પારો નીચે ઉતરશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. વાદળછાયા વાતાવરણને કારણે બપોરના સમયે ગરમીની તીવ્રતા ઓછી જણાશે. જોકે, લઘુત્તમ તાપમાનમાં આગામી એક અઠવાડિયા સુધી કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી.

આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી : હવામાન વિભાગનું અનેક જિલ્લાઓમાં 'યલો એલર્ટ'

કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

હવામાન વિભાગે તારીખ મુજબ વરસાદની જે શક્યતા દર્શાવી છે તે નીચે મુજબ છે:

  • 29 માર્ચ, 2026: બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

  • 30 થી 31 માર્ચ, 2026: વરસાદનો વ્યાપ વધશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

  • રાજ્યના બાકીના હિસ્સાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

આ અચાનક આવેલા પલટા પાછળ વાતાવરણમાં સક્રિય થયેલી ત્રણ મુખ્ય સિસ્ટમ જવાબદાર છે. પ્રથમ, પશ્ચિમ ઈરાન પાસે સક્રિય થયેલું શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બીજું, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્રીજું, રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધી લંબાયેલી ટ્રોફ લાઈન. આ સિસ્ટમોને કારણે અરબી સમુદ્રમાંથી ભેજ પવન સાથે ગુજરાત તરફ ધસી રહ્યો છે, જે માવઠા માટે જવાબદાર બનશે.

ખેડૂતો માટે ચિંતાના સમાચાર

માર્ચના અંતમાં આવતા આ માવઠાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ખેતરમાં તૈયાર પડેલા પાક અથવા યાર્ડમાં રાખેલા અનાજને સુરક્ષિત કરવા ખેડૂતોને અગાઉથી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 45 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
રાજકોટ મારવાડી શેરબજારની હેડ ઓફિસ ભડકે બળી
વડોદરાના ડોક્ટરની કાળી કરતૂત
IPL 2026; 4 એપ્રિલે અમદાવાદમાં જામશે હાઇ-વોલ્ટેજ મેચ!
અમદાવાદ એરપોર્ટ 29 માર્ચથી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સનું ટર્મિનલ બદલાયું!