Sardar Vallabhbhai Patel International Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે, તે આગામી 29 માર્ચથી તેની તમામ સ્થાનિક (ડોમેસ્ટિક) કામગીરી ટર્મિનલ 1 પરથી ટર્મિનલ 2 પર ખસેડશે. આ ફેરફારથી એરપોર્ટ પર એર ઈન્ડિયાની હાજરી વધુ મજબૂત બનશે.
કામગીરીનું સ્થળાંતર
એર ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, અમદાવાદ એરપોર્ટથી આવતી અને જતી તમામ 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ હવે ટર્મિનલ 2 થી ઓપરેટ થશે. અત્યાર સુધી આ ફ્લાઇટ્સ ટર્મિનલ 1 પરથી ઓપરેટ થતી હતી, પરંતુ 29 માર્ચથી મુસાફરોએ ટર્મિનલ 2 પર પહોંચવાનું રહેશે. આ પગલું એરપોર્ટના માળખાગત સુધારાનો એક ભાગ છે.
ટર્મિનલ 2 ની આધુનિક સુવિધાઓ
49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ટર્મિનલ 2 મુસાફરોને એક આધુનિક અને શાનદાર અનુભવ પૂરો પાડશે. અહીં 52 ચેક-ઇન કાઉન્ટર્સ, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક અને ડિજીયાત્રા જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મુસાફરોની અવરજવર ઝડપી બનાવવા માટે 17 ડિપાર્ચર અને 22 અરાઇવલ ઇમિગ્રેશન કાઉન્ટર્સની સાથે ફાસ્ટ ટ્રેક ઇ-ગેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મુસાફરો માટે વિશેષ સુવિધા
માત્ર ટેકનિકલ સુવિધાઓ જ નહીં, પણ મુસાફરોના મનોરંજન અને જમવા માટે પણ અહીં ખાસ ધ્યાન અપાયું છે. ટર્મિનલ 2 પર રિટેલ આઉટલેટ્સ અને ફૂડ એન્ડ બેવરેજીસના અનેક ઓપ્શન મળશે. આ ટર્મિનલની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે, જેથી મુસાફરોનો પ્રવાહ સરળ રહે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ઝડપી એક્ઝિટ મળી શકે.
આ પણ ખાસ વાંચો : હવે થશે વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી : હવામાનના અનુમાનમાં આવશે મોટો સુધારો, અમદાવાદ-સુરતમાં લગાવાશે હાઈટેક રડાર
એરલાઇન દ્વારા મહત્વની સૂચના
એર ઈન્ડિયાએ આ ફેરફાર અંગે પોતાના તમામ મુસાફરોને જાણ કરવાનું શરૂ કરી દીધું છે. એસએમએસ (SMS), ઇમેઇલ અને અન્ય માધ્યમો દ્વારા મુસાફરોને ટર્મિનલ બદલાવની માહિતી મોકલવામાં આવી રહી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટિકિટ અને ટર્મિનલની વિગતો ફરી એકવાર તપાસી લેવી.





