Home Gujarat Illiterate Man Arrested From Vadodara For Defaming Woman By Making Fake Id

Youtube નો આવો દુરુપયોગ ! : વડોદરાથી ઝડપાયો ફેક ID બનાવી મહિલાને બદનામ કરનાર 'અભણ'

Youtube નો આવો દુરુપયોગ !
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 11:28 AM IST

દાહોદ જિલ્લામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને વ્યક્તિની ઇજ્જત અને આબરૂને નુકસાન પહોંચાડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓના ફોટા મોર્ફ કરીને તેના પર અશ્લીલ અને બિભત્સ લખાણો મૂકવાના ગંભીર ગુનાઓ સામે પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ સેમિનારો યોજાઈ રહ્યા છે. તેમ છતાં આવા બનાવો બનતા રહેતા પોલીસ કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરી રહી છે.

તાજેતરમાં લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર કેસમાં પોલીસે ટેકનિકલ અને માનવીય સ્રોતોની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ એનાલિસિસની પાંચમી લેયર સુધી ઊંડાણપૂર્વક તપાસ કરીને ગુનાના મૂળ સુધી પહોંચી હતી. તપાસના આધારે વડોદરામાંથી નારણભાઈ કડવાભાઈ ભુરીયા (રહે. સુથારવાસા) નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ભોગ બનેલી યુવતીના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટા પોસ્ટ કર્યા હતા અને તેમાં બિભત્સ ભાષાનો ઉપયોગ કરીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અભણ હોવા છતાં મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને યુટ્યુબ પરથી ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાની રીત શીખ્યો હતો. આરોપી વડોદરામાં મજૂરી કામ કરતો હતો અને ફુરસદના સમયમાં યુટ્યુબ પર ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાના વીડિયો જોતો હતો. આ જાણકારીના આધારે તેણે ખોટી ઓળખ સાથે ફેક આઈડી બનાવી અન્ય લોકોના ફોટા અપલોડ કરી તેમને બદનામ કરવાના કૃત્યો આચર્યા હતા.

પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આરોપી કોઈ ફેક આઈડી બનાવતી ગેંગ સાથે સંકળાયેલ છે કે નહીં અને અગાઉ તેણે કેટલા ખોટા એકાઉન્ટ બનાવી અન્ય લોકોને નિશાન બનાવ્યા છે. આ બનાવ ફરી એકવાર દર્શાવે છે કે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ ગંભીર ગુનાઓ તરફ દોરી શકે છે, તેથી સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત પર પોલીસએ ભાર મૂક્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now