Home Gujarat Idar Mamlatdar Issues Notice To Ramanlal Voras Family In Case Of Falsely Claiming To Be A Farmer

પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાની મુશ્કેલી વધી : ખોટા ખેડૂત બનવાના કેસમાં રમણલાલ વોરાના પરિવારને ઈડર મામલતદારે ફટકારી નોટિસ

પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાની મુશ્કેલી વધી
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 06:19 AM IST

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, વિધાનસભા અધ્યક્ષ રહી ચૂકેલા અને ભાજપના અગ્રણી નેતા રમણલાલ વોરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રમણલાલ વોરાના પરિવાર વિરુદ્ધ ખોટા ખેડૂત બની જમીન ખરીદવાના કેસમાં પગલાં લેવામાં આવ્યા છે. ઈડરના મામલતદાર અને કૃષિ પંચે તેમની પત્ની અને પુત્રો સહિત પરિવારના સભ્યોને નોટિસ ફટકારી છે.

કયા કેસમાં ફસાયા છે વોરા પરિવાર?

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓગણજ ગામની સર્વે નંબર 719/3 ની જમીન માટે ખેડૂત તરીકે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલના નામે દાખલ કરાયેલ ખેડૂત ખરાઈનો દાખલો પેશ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે દાખલામાં પટેલના નામ સાથે સરનામું ઉલ્લેખિત નહોતું. આ દાખલાની આધારે વોરા પરિવાર દ્વારા ઈડર પાસે દાવડ ગામની વિવાદાસ્પદ જમીન ખરીદવામાં આવી હતી.

કઈ જમીન પર છે વિવાદ?

દાવડ ગામની સર્વે નંબરો 549, 581, 551 અને 548ની જમીનને લઈને વિવાદ ઊભો થયો છે. આ જમીનના વેચાણમાં ગણોતધારાની કલમ 63(ક)(ઘ)નું ભંગ થયો હોવાનો આરોપ છે. જણાવાયું છે કે ખેડૂત ન હોવા છતાં રમણ વોરા પરિવારના સભ્યોના નામે જમીન તબદીલ કરવામાં આવી છે, જે ગુજરાત જમીન સુધારણા કાયદાનું ઉલ્લંઘન છે.

કઈ રીતે પગલાં લેવામાં આવ્યા છે?

મામલતદાર કચેરીએ નોટિસ ફટકારી છે જેમાં રમણ વોરાની પત્ની કુસુમબેન વોરા તથા પુત્રો સુહાગ વોરા અને ભૂષણ વોરાને 11 સપ્ટેમ્બર, 2025ના રોજ હાજર રહેવા માટે કહ્યું છે. સાથે સાથે દાવડ ગામની વિવાદિત જમીનના અગાઉના ખાતેદારો અને અન્ય સંબંધિત પક્ષકારોને પણ પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.

આગળ શું થશે?

તંત્રના જણાવ્યા પ્રમાણે જો ખોટી રીતે જમીન હસ્તાંતરણ થયાનું સાબિત થાય છે, તો જમીનને મૂળ સ્થિતિમાં પરત લાવવામાં આવશે કે પછી કાયદેસર રજા માટે અરજી મંગાવવામાં આવશે. આ કેસમાં કુલ 9 પક્ષકારો સામે કાર્યવાહી ચાલે તેવી સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now