Home National Hyderabad Bmw Accident Drunk Driving Number Plate Case

ચલણથી બચવા BMW માં લગાડી રિમોટવાળી નંબર પ્લેટ : ટેકનોલોજીનો દુરુપયોગ ભારે પડ્યો, પોલીસ પણ ચોંકી ગઈ

BMW
Play Video
Published by: Aryan Shah
Last Updated: Apr 13, 2026, 09:19 AM IST

Misuse of technology : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ટેકનોલોજીના દુરુપયોગનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. શહેરના પોશ વિસ્તાર જુબલી હિલ્સમાં એક BMW કાર ચાલકે ટ્રાફિક ચલણથી બચવા માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. આ યુવક પોતાની કારમાં રિમોટ કંટ્રોલથી ચાલતી ફ્લિપ નંબર પ્લેટનો ઉપયોગ કરતો હતો, જેથી ટ્રાફિક કેમેરા તેને પકડી ન શકે.

કેવી રીતે ઝડપાયો આરોપી?

હૈદરાબાદ પોલીસે જુબલી હિલ્સ વિસ્તારમાં નિયમિત ડ્રંક એન્ડ ડ્રાઇવ ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતી BMW કારને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસને તેની હરકતો શંકાસ્પદ લાગતા કારની બારીકાઈથી તપાસ કરવામાં આવી અને આ હાઇટેક જુગાડનો ભાંડો ફૂટ્યો હતો.

બટન દબાવતા જ થતો જાદુ!

પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કારમાં એક ગેરકાયદેસર 'ફ્લિપ મિકેનિઝમ' લગાડવામાં આવ્યું હતું. આ સિસ્ટમ દ્વારા ડ્રાઇવર કારની અંદર બેઠા બેઠા માત્ર એક રિમોટનું બટન દબાવીને નંબર પ્લેટ બદલી શકતો હતો અથવા તો તેને આખી છુપાવી શકતો હતો. આ ટેકનિકનો મુખ્ય હેતુ ટ્રાફિક કેમેરાની નજરથી બચવાનો અને દંડ ન ભરવો પડે તે હતો.

પોલીસની કડક કાર્યવાહી

પોલીસે યુવકનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કર્યો જેમાં તે નશામાં હોવાનું સાબિત થયું હતું. આરોપી સામે મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે નશામાં વાહન ચલાવવા, વાહન સાથે ગેરકાયદેસર છેતરપિંડી અને નંબર પ્લેટમાં અનધિકૃત ફેરફાર કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. હાલ પોલીસે મોંઘીદાટ BMW કાર જપ્ત કરી છે.

જૂના ગુનાઓની તપાસ

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ સિસ્ટમનો ઉપયોગ કરીને આરોપીએ ભૂતકાળમાં કેટલા ટ્રાફિક નિયમો તોડ્યા છે. શું આ રીતે તે અગાઉ પણ ગંભીર અકસ્માત કે ગુનાહિત પ્રવૃત્તિ કરીને ભાગી ગયો છે? પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, વાહનોમાં આવા ફેરફાર કરવા તે કાયદાકીય ગુનો છે અને તેનાથી માર્ગ સલામતી જોખમાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now