અભિનેતામાંથી રાજકારણી બનેલા ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે જો આમારૂ મગજ ખરાબ થઈ ગયું તો બ્રહ્મોસ એક પછી એક છોડવામાં આવશે. તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય લશ્કરી દળોની હિંમતભરી કાર્યવાહીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. બિલાવલ ભુટ્ટોની ધમકી સામે આવી હતી કે જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો યુદ્ધ ફાટી નીકળશે ત્યારે મિથુન ચક્રવર્તીએ સિંધુ જળ સંધિમાં ફેરફારો અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનની ભારતને નવી ચેતવણીની આકરી ટીકા કરી હતી.
''...અમે બંધ ખોલીશું, અને સુનામી આવશે"
પાકિસ્તાન પર કટાક્ષભરી ટિપ્પણી કરતા તેમણે આગળ કહ્યું, "અમે એવો બંધ બનાવવાનું પણ વિચાર્યું છે જ્યાં 140 કરોડ લોકો પેશાબ કરશે, તે પછી, અમે બંધ ખોલીશું, અને સુનામી આવશે" તેમણે કહ્યું કે મને પાકિસ્તાનના લોકો સાથે કોઈ વાંધો નથી. મેં આ બધું તેમના (બિલાવલ ભુટ્ટો) માટે કહ્યું છે''.
સિંધુ જળ સંધિને સ્થગિત કરવી એ આપણી સંસ્કૃતિ પર હુમલો: બિલાવલ
સિંધ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, બિલાવલ ભુટ્ટોએ સોમવારે દાવો કર્યો હતો કે ''સિંધુ નદીનું પાણી પાકિસ્તાનથી દૂર વાળવું એ દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા પર હુમલો છે'', બિલાવલે કહ્યું, "જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંધુ નદી પર હુમલો કરવાની જાહેરાત કરે છે, તો તે આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા પર હુમલો કરે છે."






