Home Gujarat Huge Uproar In Pressure Relief Campaign In Sursagar Area Of Vadodara

વડોદરાના સુરસાગર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશમાં ભારે હોબાળો! : તંત્રની મનમાની અને ભેદભાવના આક્ષેપો સાથે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ

વડોદરાના સુરસાગર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશમાં ભારે હોબાળો!
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 09:15 AM IST

Uproar near Sursagar Lake, considered the pride of Vadodara city: સુરસાગરના હૃદયસ્થાનમાં હંગામો વડોદરા શહેરની શાન ગણાતા સુરસાગર તળાવ પાસે શુક્રવારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકતા વાતાવરણ ગરમાયું હતું. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક દબાણ હટાવ ઝુંબેશને કારણે સ્થાનિક લારી-ગલ્લા ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યવાહી દરમિયાન તંત્ર અને વેપારીઓ સામસામે આવી જતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

કોર્પોરેશનની સૂચનાઓનું પાલન કરવા છતાં લારીઓ જપ્ત

ચૂંટણી સમયે કાઉન્સિલરો ગાયબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લારી ધારકોએ જનપ્રતિનિધિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. વેપારીઓમાં એવી ચર્ચા છે કે, મુશ્કેલીના સમયે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો મૌન સેવી રહ્યા છે. લારીધારકોના જણાવ્યા મુજબ, તેઓએ કોર્પોરેશનની અગાઉની સૂચનાઓનું પાલન કરીને પોતાની લારીઓ નક્કી કરેલી મર્યાદામાં રાખી હતી, છતાં તંત્રએ કોઈ પણ પૂર્વ સૂચના વગર લારીઓ જપ્ત કરવાનું શરૂ કરી દીધું હતું.

મહિલા વેપારીનો આક્ષેપ

તંત્રનું ભેદભાવપૂર્ણ વલણ આ ઝુંબેશ દરમિયાન એક મહિલા લારી ધારકે મીડિયા સમક્ષ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે રડમસ અવાજે જણાવ્યું હતું કે, "અમે નિયમો પાળતા હોવા છતાં અમારી લારીઓ ઉપાડી લેવામાં આવી છે, જ્યારે અમુક ચોક્કસ લારીઓ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે." મહિલા વેપારીએ પાલિકાની આ કાર્યવાહીને પક્ષપાતી અને અન્યાયી ગણાવી હતી.

રોજીરોટીનું સંકટ

નાના વેપારીઓની વેદના દબાણ હટાવવાની આ કાર્યવાહીને કારણે નાના વેપારીઓના ઘરના ગુજરાન પર મોટું સંકટ આવી પડ્યું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી આ વિસ્તારમાં વેપાર કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. અચાનક લારીઓ જપ્ત થઈ જવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે. તંત્રના કડક વલણને કારણે વેપારીઓ માનસિક તણાવમાં મુકાયા છે.

પાલિકાનો પક્ષ

ટ્રાફિક અને માર્ગોની સફાઈ સામે પક્ષે પાલિકાના અધિકારીઓએ આ કાર્યવાહીને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય અને જાહેર માર્ગો ટ્રાફિક મુક્ત કરવા માટે આ ઝુંબેશ અનિવાર્ય છે. સુરસાગર જેવા વ્યસ્ત વિસ્તારમાં રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે દબાણો દૂર કરવામાં આવી રહ્યા હોવાનું તંત્ર દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું.

નાના વેપારીઓ તંત્ર પાસેથી ન્યાયની અપેક્ષા

પોલીસ બંદોબસ્ત અને ન્યાયની માંગ ઘર્ષણ વધતા અને પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે સુરસાગર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે પરંતુ લારીધારકોમાં અજંપો યથાવત છે. નાના વેપારીઓ હવે તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે અને આ સમસ્યાનો કોઈ કાયમી અને માનવીય ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now