Home International How Many Nuclear Bombs To Destroy World Scientific Facts Nuclear Winter

દુનિયાનો વિનાશ કરવા કેટલા પરમાણુ બોમ્બની જરૂર પડે? : વૈજ્ઞાનિકોનો જવાબ જાણી ચોંકી જશો, એક ભૂલ અને માનવ સંસ્કૃતિનો અંત

Nuclear Bomb World Destruction
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 01:15 AM IST

Nuclear Bomb World Destruction: પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ અને ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષના વાદળો વચ્ચે આજે વિશ્વ પરમાણુ યુદ્ધના ઉંબરે ઉભું હોય તેવું લાગી રહ્યું છે. આવા સમયે દરેકના મનમાં એક સવાલ ચોક્કસ થાય છે કે, જો ખરેખર પરમાણુ યુદ્ધ થાય, તો આખી દુનિયાનો ખાતમો બોલાવવા કેટલા બોમ્બની જરૂર પડે? આ સવાલનો જવાબ જેટલો રસપ્રદ છે, એટલો જ ડરાવણો પણ છે. વૈજ્ઞાનિકોના મતે, દુનિયાને રાખના ઢગલામાં ફેરવી દેવા માટે હજારો નહીં, પણ માત્ર ગણતરીના બોમ્બ જ પૂરતા છે.

વર્તમાન આંકડા મુજબ, વિશ્વના શક્તિશાળી દેશો પાસે કુલ મળીને 12,000 થી વધુ પરમાણુ હથિયારોનો ભંડાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આધુનિક માનવ સંસ્કૃતિનો સંપૂર્ણ વિનાશ કરવા માટે આ ભંડારમાંથી માત્ર 100 બોમ્બ જ કાફી છે. આ 100 બોમ્બ માત્ર વિસ્ફોટથી જ નહીં, પરંતુ તેના પછી સર્જાનારી પર્યાવરણીય પરિસ્થિતિઓ દ્વારા માનવજાતનું અસ્તિત્વ ભૂંસી શકે છે. ચાલો સમજીએ કે પરમાણુ વિસ્ફોટ બાદ પૃથ્વી પર કેવી નરક જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

'ન્યુક્લિયર વિન્ટર': જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો બંધ થઈ જશે

વૈજ્ઞાનિકોના મતે, 100 પરમાણુ બોમ્બના વિસ્ફોટ બાદ વાતાવરણમાં એટલા પ્રચંડ પ્રમાણમાં કાળો ધુમાડો, રાખ અને ધૂળની ડમરીઓ ફેલાઈ જશે કે તે સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા રોકી દેશે. આ સ્થિતિને વિજ્ઞાનમાં 'ન્યુક્લિયર વિન્ટર' (Nuclear Winter) કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશના અભાવે પૃથ્વીનું તાપમાન માઈનસમાં જતું રહેશે, જેને કારણે ખેતી લાયક પાક સંપૂર્ણ નષ્ટ થઈ જશે અને વૈશ્વિક સ્તરે ભયાનક ભૂખમરો સર્જાશે, જે અબજો લોકોના મોતનું કારણ બનશે.

રેડિયેશનનો ખતરો: જ્યાં બોમ્બ નથી પડ્યા ત્યાં પણ જીવવું અશક્ય

પરમાણુ વિસ્ફોટની સૌથી ખતરનાક અસર તેના ઝેરી કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશન (Radiation) ની હોય છે. વિસ્ફોટના સ્થળથી હજારો કિલોમીટર દૂર રહેતા લોકો પણ આ ખતરનાક કિરણોની અસરમાંથી બચી શકશે નહીં. રેડિયેશનને કારણે કેન્સર અને આનુવંશિક બીમારીઓ ફેલાશે, જેનાથી આવનારી પેઢીઓ પણ અપંગ અને બીમાર જન્મી શકે છે. લાંબા ગાળે આ કિરણોત્સર્ગ પૃથ્વીના પર્યાવરણને એટલું દૂષિત કરી દેશે કે શુદ્ધ હવા અને પાણી માત્ર એક સ્વપ્ન બની જશે.

શું પૃથ્વી ગ્રહનો નાશ થઈ શકે? જાણો શું કહે છે વિજ્ઞાન

એક રસપ્રદ હકીકત એ છે કે પરમાણુ હથિયારો માનવજાતને તો ખતમ કરી શકે છે, પરંતુ તે પૃથ્વી ગ્રહનો ભૌતિક રીતે નાશ કરવામાં અસમર્થ છે. પૃથ્વીના ટુકડા કરવા માટે અત્યારના તમામ 12,000 પરમાણુ બોમ્બની કુલ તાકાત કરતા અબજો ગણી વધુ ઉર્જાની જરૂર પડે. એટલે કે, જો પરમાણુ યુદ્ધ થાય, તો માણસો અને જીવજંતુઓનો નાશ થશે, પણ પૃથ્વી એક નિર્જીવ ગ્રહ તરીકે અવકાશમાં તરતી રહેશે.

આધુનિક હાઈડ્રોજન બોમ્બ: હિરોશિમા કરતા 3000 ગણા શક્તિશાળી

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા પર જે બોમ્બ ફેંકાયો હતો, તેના કરતા આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ હજારો ગણા વધુ વિનાશક છે. આજના અમુક પરમાણુ શસ્ત્રો એટલા શક્તિશાળી છે કે તે એક જ ઝાટકે આખું રાજ્ય ભૂંસી નાખવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વમાં રહેલો અત્યારનો પરમાણુ ભંડાર માનવજાતનો એક વાર નહીં, પણ અનેક વાર ખાતમો બોલાવી શકે એટલો વિશાળ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now