ગુજરાતના ઇતિહાસમાં પહેલો પ્રયાસ
પોલીસની કામગીરીનું લોકમત દ્વારા મૂલ્યાંકન
બઢતી કે બરતરફ સુધીના નિર્ણયો લેવાશે
Gujarat Police: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય તરફથી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર નવો અને પારદર્શક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે – પોલીસ તંત્રની છબી અને કાર્યક્ષમતા વિશે જનમતો એકત્ર કરવાનો. રાજ્યના નાગરિકો, પત્રકારો, અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સીધા સંપર્ક સાધીને પોલીસના વર્તન અને કામગીરી અંગે તટસ્થ અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે.
લોકોની અભિપ્રાયની સીધી અસર – બઢતી કે બરતરફ સુધીના નિર્ણયોઃ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “અમે રાજ્યના ૧૦,૦૦૦થી વધુ નાગરિકોનો અભિપ્રાય લઈ રહ્યા છીએ જેથી જમીન પર શું હકીકત છે તે જાણવા મળી શકે. સારું કામ કરનાર અધિકારીઓને પ્રોત્સાહન મળશે, જ્યારે નબળું કામ કરનારા સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.” આ અભિપ્રાયોનું વિશ્લેષણ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનોના વર્તન, જવાબદારી અને કાર્યપદ્ધતિને આધારે અધિકારીઓની બઢતી, બદલી કે જરૂર પડ્યે બરતરફી સુધીના નિર્ણયો લેવામાં આવશે.
શા માટે લેવામાં આવી રહ્યા છે અભિપ્રાય?
આ અભિગમ પાછળનો મુખ્ય હેતુ છે – ગુજરાતમાં પોલીસની ખરડાયેલી છબિ સુધારી ને લોકોમાં સમાજમાં જાહેરજીવનમાં પોલીસ તંત્રની વિશ્વસનીયતા વધારવાનો છે. સાથે જ આ પ્રયાસ થકી રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવો છે. રાજ્યમાં ઘણીવાર અનેક કિસ્સાઓમાં કાયદાકીય વ્યવસ્થા અંગે લોકોમાં અસંતોષ જોવા મળે છે. સૌથી વધારે પોલીસની ભૂમિકા અને પોલીસના કામને લઈને સવાલો ઉભા થાય છે. આવા સંજોગોમાં પારદર્શક અને જનસેવી તંત્ર વિકસાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.
ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયથી લોકોને ફોન પર કેવા સવાલો પૂછાય છે:
તમારે પોલીસ મથકે જવાનું થાય છે? તમારો અનુભવ કેવો રહ્યો?
તમને પોલીસ પાસેથી સંતોષકારક જવાબ મળ્યો કે નહીં?
પીએસઆઇ અને પીઆઇ પોલીસ સ્ટેશનમાં હંમેશાં હાજર રહે છે કે નહીં?
જો સ્થાનિક પોલીસ મથકમાંથી યોગ્ય જવાબ ન મળે તો ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળે છે?
ફરિયાદો કે રજૂઆતોનું સરળતાથી નિરાકરણ થાય છે કે નહીં?
ગુજરાત માટે સકારાત્મક પગલુંઃ
આ પહેલ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવાનો એક અનોખો પ્રયાસ છે. પહેલા ક્યારેય આવા મોટા પાયે નાગરિકોના ફીડબેકના આધારે પોલીસ તંત્રનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું. ગુજરાત માટે આ પહેલ માત્ર એક વિશ્લેષણ નથી – પરંતુ સમગ્ર શાસનતંત્રને વધુ જવાબદાર, લોકસેવી અને પારદર્શક બનાવવા તરફ એક મજબૂત પગલું છે.






