ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે ગત રાત્રીના ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ભુતેશ્વર ખાતે પીયૂષભાઈ કંટારીયાની લોજમાં જમવા આવ્યા હતા. જ્યા બે ઇસમોને જમવા બાબતે પીયૂષભાઈ જોડે ઝગડો થયો હતો. ઝગડો થતા બંન્ને ઇસમોએ પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કરતા પીયૂષભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા થયા બાદ સારવાર માટે ઘોઘા સીએચસી ખાતે ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે હત્યારા હુમલો કરી નાસી છૂટ્યા હતા.
જમવા બાબતે ઝઘડો થતા હોટેલ માલિકને રહેંસી નાંખ્યો!
ઘોઘાના ભુતેશ્વર ગામે ગતરાત્રીના નોનવેજની લોજમાં જમવા આવેલા બે ઈસમોએ જમવા બાબતે થયેલા ઝઘડામાં લોજ માલિકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી હતી. ભુતેશ્વર ખાતે નોનવેજની લોજ ચલાવતા પીયૂષભાઈ કંટારીયા તેની પત્ની અને દીકરી સાથે લોજમાં હતા. આ સમયે સુનિલ અને હાર્દિક નામના બે વ્યક્તિ જમવા આવ્યા હોય અને જમવા બાબતે કોઈ કારણોસર ઝગડો અને ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા હાર્દિક અને સુનીલે છરી અને લાકડી પાઇપ જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કરતા પીયૂષભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા.
પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા
ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ઘોઘા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ઘટનામાં મૃતકની પુત્રીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી હત્યારા સુનિલ અને હાર્દિકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે આ ઘટનામાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.






