Oil Tanker Attack: ઓમાનના દરિયાકાંઠે આવેલા હોર્મુઝ સ્ટ્રેટ નજીક મંગળવારે વહેલી સવારે એક ઓઇલ ટેન્કર પર થયેલા હુમલા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. યુકેની દરિયાઈ સુરક્ષા એજન્સી યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કર સાથે કોઈ વિસ્ફોટક ગોળો અથવા પ્રોજેક્ટાઇલ અથડાતા જહાજમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પશ્ચિમ એશિયામાં પહેલેથી જ તણાવપૂર્ણ સ્થિતિ છે. ખાસ કરીને ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારના સમયગાળા દરમિયાન બનેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જોકે, હુમલા માટે જવાબદાર કોણ છે તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ કેમ છે એટલું મહત્વનું?
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક માનવામાં આવે છે. પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડતો આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના મોટા હિસ્સાનો વેપાર આ જ માર્ગ મારફતે થાય છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુરક્ષા ઘટના અથવા હુમલો વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર, શિપિંગ ઉદ્યોગ અને ઊર્જા પુરવઠા પર સીધી અસર કરી શકે છે. તેથી હોર્મુઝ સ્ટ્રેટમાં બનેલી દરેક ઘટના પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજીકથી નજર રહેતી હોય છે.
ઈરાન પર ફરી શંકા, પરંતુ સત્તાવાર પુષ્ટિ નહીં
ઘટના બાદ કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં શંકા ઈરાન તરફ વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ પણ આ વિસ્તારમાં પસાર થતા વેપારી જહાજો પર હુમલાના મામલામાં ઈરાન પર આરોપો લાગતા રહ્યા છે. જોકે, આ તાજેતરના હુમલા અંગે હજુ સુધી કોઈ સ્વતંત્ર તપાસ પૂર્ણ થઈ નથી અને ઈરાનની સંડોવણી અંગે પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને માત્ર તેના દ્વારા નિર્ધારિત દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ નિવેદન બાદ હવે બનેલી ઘટનાને કારણે સુરક્ષા અંગે વધુ પ્રશ્નો ઊભા થયા છે.
લિમા વિસ્તાર નજીક બન્યો હુમલો
UKMTOના જણાવ્યા અનુસાર હુમલો ઓમાનના લિમા વિસ્તાર નજીક થયો હતો. તે સમયે ઓઇલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ઓમાનના અખાત તરફ જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ જહાજની ડાબી બાજુએ પ્રોજેક્ટાઇલ અથડાતા આગ લાગી હતી. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ સુધી દરિયાઈ પ્રદૂષણ અથવા તેલ લીક થવાના કોઈ અહેવાલ મળ્યા નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને જહાજ તથા તેના ક્રૂની સ્થિતિ અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
અમેરિકા-ઈરાન સંબંધોમાં ફરી વધ્યો તણાવ
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી સંભવિત વાટાઘાટો હાલ સ્થગિત હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે રાજદ્વારી માર્ગે ઉકેલને પ્રાથમિકતા આપે છે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા કાર્યવાહી કરવામાં પણ પાછળ નહીં હટે. બીજી તરફ ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર થયાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
આ પણ વાંચો: "સમાધાન કરો અથવા કામ તમામ કરીશું" : ટ્રમ્પની કડક ચેતવણી, ઈરાને પણ આપ્યો કરારો જવાબ
વૈશ્વિક બજારોની નજર તપાસ પર
હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલી આ ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક ઊર્જા બજારનું ધ્યાન પશ્ચિમ એશિયા તરફ ખેંચ્યું છે. જો આ વિસ્તારમાં તણાવ વધુ વધે અથવા જહાજોની અવરજવરમાં વિક્ષેપ સર્જાય તો તેની અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક વેપાર પર પડી શકે છે. ફિલહાલ તપાસ ચાલુ છે અને હુમલાની જવાબદારી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય આગામી તપાસ અહેવાલો અને સંબંધિત દેશોના નિવેદનો પર નજર રાખી રહ્યો છે.





