Home International Khamenei Funeral Iraq Najaf Karbala Iran Supreme Leader News Gujarati

8 વર્ષ સુધી યુદ્ધ, લાખો મોત અને કડવી દુશ્મની... : છતાં હવે તે જ દેશમાં કેમ લઈ જવાશે ખામેનેઈનો મૃતદેહ?

Khamenei Funeral Iraq
Image Credit: Twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 07, 2026, 05:04 AM IST

Iran Supreme Leader Funeral Iraq :: ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાનના અહેવાલો વચ્ચે સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાખો લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને દેશના વિવિધ શહેરોમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં તેમની અંતિમયાત્રા ઈરાનના ધાર્મિક રીતે અત્યંત મહત્વના શહેર કોમમાં પહોંચી છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે. પરંતુ સૌથી વધુ ચર્ચા જગાવતો મુદ્દો એ છે કે, ખામેનેઈનો પાર્થિવ દેહ હવે ઈરાક લઈ જવામાં આવશે. આ નિર્ણયને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રસ અને ચર્ચા બંને વધી છે, કારણ કે ઈરાન અને ઈરાક વચ્ચે વર્ષો સુધી કડવો સંઘર્ષ રહ્યો હતો. બંને દેશોએ 1980થી 1988 સુધી આઠ વર્ષ લાંબું અને વિનાશક યુદ્ધ લડ્યું હતું, જેમાં લાખો લોકોના જીવ ગયા હતા અને સમગ્ર પ્રદેશ પર તેની ગંભીર અસર પડી હતી.

કોમ શહેરમાં શોકની લાગણી, જમકરણ મસ્જિદમાં ઉમટી ભીડ

ઈરાનના શિયા ધર્મ માટે સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ગણાતા કોમ શહેરમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જમકરણ મસ્જિદની આસપાસ હજારો લોકો એકત્રિત થઈને ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સરકારી મીડિયા અહેવાલો અનુસાર, લોકો માટે અંતિમ દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેહરાન સહિતના અનેક શહેરોમાં પણ શોકસભાઓ યોજાઈ રહી છે. કાળા વસ્ત્રોમાં સજ્જ લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેટલાક સ્થળોએ અમેરિકાની નીતિઓ સામે વિરોધના સૂત્રોચ્ચારો પણ સાંભળવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, રાજધાની તેહરાનમાં ભેગા થયેલા લોકો દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર પર હુમલો, આગ ભભૂકી! : ઈરાન શંકાના ઘેરામાં, વૈશ્વિક તેલ વેપાર પર વધી ચિંતા

આઠ વર્ષ સુધી યુદ્ધ લડનાર ઈરાક કેમ બન્યું અંતિમ શ્રદ્ધાંજલિનું કેન્દ્ર?

સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જે દેશ સાથે ઈરાને વર્ષો સુધી લોહિયાળ યુદ્ધ લડ્યું, તે જ ઈરાકમાં હવે ખામેનેઈનો પાર્થિવ દેહ કેમ લઈ જવામાં આવી રહ્યો છે. આનો જવાબ રાજકીય કરતાં વધુ ધાર્મિક છે. ઈરાકના નજફ અને કરબલા શહેરો વિશ્વભરના શિયા મુસ્લિમો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. નજફમાં ઈમામ અલીની દરગાહ આવેલી છે, જ્યારે કરબલા ઈમામ હુસૈનની શહાદત સાથે જોડાયેલું સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. શિયા ધાર્મિક પરંપરામાં આ શહેરોને વિશેષ આધ્યાત્મિક સ્થાન મળ્યું છે. તેથી અનેક ધાર્મિક આગેવાનો અને વિદ્વાનોના પાર્થિવ દેહને અહીં લઈ જઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અહેવાલો અનુસાર, 8 જુલાઈએ નજફ અને કરબલામાં ધાર્મિક નેતાઓ તથા શ્રદ્ધાળુઓ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે.

ઈરાન-ઈરાક યુદ્ધનો લોહિયાળ ઈતિહાસ

ઈરાન અને ઈરાક વચ્ચેનો સંઘર્ષ આધુનિક પશ્ચિમ એશિયાના સૌથી વિનાશક યુદ્ધોમાં ગણાય છે. 1979ની ઈરાની ઇસ્લામિક ક્રાંતિ પછી પ્રદેશમાં રાજકીય સમીકરણો બદલાયા હતા. તે સમય દરમિયાન ઈરાકના તત્કાલીન શાસક સદ્દામ હુસૈનને આશંકા હતી કે ઈરાનની ક્રાંતિનો પ્રભાવ ઈરાકના શિયા બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ ફેલાઈ શકે છે. આ ભય વચ્ચે 1980માં ઈરાકે ઈરાન પર હુમલો કર્યો અને ત્યારબાદ શરૂ થયેલું યુદ્ધ સતત આઠ વર્ષ સુધી ચાલ્યું. બંને દેશોને આર્થિક અને માનવીય રીતે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અંદાજે લાખો લોકોના મોત થયા હતા અને અનેક શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા હતા. યુદ્ધ ભલે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો બાદના વર્ષોમાં ધીમે ધીમે સુધરતા ગયા. ખાસ કરીને શિયા ધાર્મિક સંબંધો અને પવિત્ર સ્થળોના કારણે ઈરાન અને ઈરાક વચ્ચે આજે ધાર્મિક સ્તરે ગાઢ જોડાણ જોવા મળે છે.

અંતિમયાત્રા દરમિયાન અમેરિકાવિરોધી ભાવનાઓ

કોમ શહેરમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન લોકોમાં અમેરિકાની નીતિઓ પ્રત્યે નારાજગી પણ જોવા મળી હતી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે, પ્રદર્શનકારીઓ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટરો પર પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ દૃશ્યોને કેટલાક લોકોએ હજ દરમિયાન કરવામાં આવતી પ્રતીકાત્મક વિધિઓ સાથે સરખાવ્યા હતા, જોકે આ સરખામણીઓ ધાર્મિક અને રાજકીય સંદર્ભમાં અલગ રીતે જોવામાં આવે છે. સ્થાનિક સ્તરે આ કાર્યક્રમો મુખ્યત્વે શોક અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવાના માધ્યમ તરીકે આયોજિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભારત માટે સારા સમાચાર? : આ દેશે ક્રૂડના ભાવમાં 26 વર્ષનો સૌથી મોટો 11 ડોલરનો ઘટાડો કર્યો

મશહદમાં થશે અંતિમ વિધિ

અહેવાલો અનુસાર, ઈરાકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ખામેનેઈનો પાર્થિવ દેહ ફરી ઈરાન લાવવામાં આવશે. ત્યારબાદ 9 જુલાઈએ તેમના ગૃહ શહેર મશહદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિશ્વભરના રાજકીય વિશ્લેષકો માટે આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક અંતિમયાત્રા નથી, પરંતુ પશ્ચિમ એશિયાના ધાર્મિક, રાજકીય અને ઐતિહાસિક સંબંધોને સમજવા માટે પણ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. ખાસ કરીને ઈરાન અને ઈરાક વચ્ચેના ભૂતકાળના સંઘર્ષ અને વર્તમાન ધાર્મિક સંબંધોના સંદર્ભમાં આ ઘટના વિશેષ મહત્વ ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now