Home International China Heavy Rain Hubei Storm Gansu Landslide July 2026

ચીનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી અનેક લોકો દટાયા : તોફાની પવનથી 8ના મોત

ચીનમાં વરસાદે મચાવેલી તબાહીનાં દ્રશ્યો
Published by: Niraj Chokshi
Last Updated: Jul 07, 2026, 05:33 AM IST

ચીનમાં અતિશય વરસાદ અને તોફાની હવામાનનો કહેર યથાવત છે. દેશના મધ્ય અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ડઝનો લોકો લાપતા અથવા કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. હુબેઇ પ્રાંતમાં ભારે વાવાઝોડા અને તોફાની પવનના કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે, જ્યારે ગાંસુ પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટનામાં 33 લોકો દટાયા હોવાની માહિતી સામે આવી છે. બચાવ દળો સતત રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા છે. ચીનના હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ યથાવત રહેવાની ચેતવણી આપી છે. સ્થાનિક પ્રશાસને સંવેદનશીલ વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

હુબેઇમાં તોફાની પવન અને વાવાઝોડાએ સર્જી તબાહી

ચીનના હુબેઇ પ્રાંતમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે આવેલા વાવાઝોડા અને કલાકો સુધી ફૂંકાયેલા તોફાની પવને અનેક શહેરોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુઆંગશી, હુઆંગગાંગ, એઝોઉ અને શિયાનિંગ શહેરો સૌથી વધુ પ્રભાવિત બન્યા હતા. સ્થાનિક ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં લેવલ-13 સુધીની તીવ્રતાના પવન નોંધાયા હતા. કેટલીક જગ્યાએ ટોર્નેડો જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. તોફાની પવનના કારણે મકાનોને નુકસાન, વૃક્ષો ધરાશાયી થવા અને વીજ પુરવઠો ખોરવાવાની અનેક ઘટનાઓ નોંધાઈ હતી. હુઆંગગાંગ શહેરના હુઆંગઝોઉ જિલ્લામાં આવેલી ત્રણ રહેણાંક વસાહતો સૌથી વધુ પ્રભાવિત બની હતી. મંગળવાર સવારે પાંચ વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં 275 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રશાસને 408 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જણાવાયું છે.

ગાંસુમાં ભૂસ્ખલનથી 33 લોકો દટાયાની આશંકા

ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલનની ગંભીર ઘટના બની હતી. લોંગનાન શહેરના તાનચાંગ કાઉન્ટીના નાનહે ટાઉનશિપમાં સવારે લગભગ 6:56 વાગ્યે ભારે વરસાદ બાદ અચાનક પહાડી ધસી પડતાં અનેક મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ લગભગ 33 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોને શોધવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેસ્ક્યૂ ટીમો ભારે મશીનરી, ડ્રોન અને સ્નિફર ડોગની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોની શોધ કરી રહી છે.

આ પણ વાંચો: 8 વર્ષ સુધી યુદ્ધ, લાખો મોત અને કડવી દુશ્મની... : છતાં હવે તે જ દેશમાં કેમ લઈ જવાશે ખામેનેઈનો મૃતદેહ?

દક્ષિણ ચીનમાં પૂરથી હજારો લોકો પ્રભાવિત

હુબેઇ અને ગાંસુની આફત પહેલાં દક્ષિણ ચીનમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાનિંગ શહેરમાં સતત વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ પૂરમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 55 હજાર લોકો પ્રભાવિત થયા હોવાનું સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે. જોખમી વિસ્તારોમાંથી લગભગ 48 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે અનેક જળાશયો અને બંધોમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

અનેક નદીઓમાં જોખમી સપાટીથી ઉપર પાણી

ચીનના ગુઆંગસી વિસ્તારમાં ભારે વરસાદને કારણે 59 જેટલી નદીઓમાં પાણીનું સ્તર ચેતવણીની સપાટીથી ઉપર પહોંચી ગયું હતું. જેના કારણે અનેક ગામોમાં પૂરનું જોખમ ઊભું થયું હતું. સ્થાનિક ઇમરજન્સી વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવાર રાત્રિથી કેટલાક વિસ્તારોમાં પૂરનું પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યું છે, પરંતુ નવા વરસાદની આગાહીને કારણે સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. અનેક ગામોમાં સતત સ્થળાંતર અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PM મોદીની ઇન્ડોનેશિયા મુલાકાતમાં અનેક વ્યૂહાત્મક કરારોની સંભાવના : સંરક્ષણથી લઈને ક્રિટિકલ મિનરલ્સ સુધી સહયોગ વધશે

ભારે વરસાદ પાછળ ટાયફૂનનો પ્રભાવ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ચીનમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલો ભારે વરસાદ ટાયફૂનના પ્રભાવ સાથે જોડાયેલો છે. તેના કારણે અનેક પ્રાંતોમાં અતિશય વરસાદ, તેજ પવન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ચીનની સરકાર અને સ્થાનિક પ્રશાસન સતત હવામાન પર નજર રાખી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

રાહત અને બચાવ કામગીરીને પ્રાથમિકતા

ચીનના ઇમરજન્સી વિભાગ, સ્થાનિક પ્રશાસન અને બચાવ દળો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, તાત્કાલિક સારવાર પહોંચાડવા અને અસરગ્રસ્ત પરિવારોને આશ્રય આપવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આબોહવા પરિવર્તનને કારણે વિશ્વના અનેક દેશોમાં અતિશય વરસાદ, પૂર, ભૂસ્ખલન અને તોફાની હવામાનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં સર્જાયેલી આ તાજી આફત પણ કુદરતી આપત્તિઓ સામે મજબૂત આપત્તિ વ્યવસ્થાપન અને સમયસર ચેતવણી પ્રણાલીની જરૂરિયાતને વધુ ઉજાગર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now