Donald Trump: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર તેજ બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે અમેરિકા માટે હવે બે જ વિકલ્પ છે- કાં તો ઈરાન સાથે સમાધાન થશે અથવા અમેરિકા પોતાનું "કામ પૂરું કરશે". ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તેઓ પ્રથમ પસંદગી તરીકે રાજદ્વારી અને વાટાઘાટોને મહત્વ આપે છે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા કડક પગલાં ભરતાં પણ પાછળ નહીં હટે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનમાં પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે અને બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
'અમે કોઈપણ રીતે જીતીશું'
ટ્રમ્પે કહ્યું, "અમે કોઈપણ રીતે જીતીશું. કાં તો ઈરાન સાથે સમાધાન થશે અથવા અમે કામ પૂરું કરીશું." તેમણે ઉમેર્યું કે તેઓ 9.1 કરોડ ઈરાનીઓને નુકસાન પહોંચાડવા માંગતા નથી અને તેથી વાટાઘાટો દ્વારા ઉકેલ આવે તે વધુ યોગ્ય માને છે. જોકે તેમણે દાવો કર્યો કે જો પરિસ્થિતિની માંગ હશે તો અમેરિકા ખૂબ ઓછા સમયમાં ઈરાનના મહત્વના માળખાગત તંત્રને નિશાન બનાવી શકે છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકા ઈચ્છે તો ઈરાનના ઊર્જા માળખા અને વીજ ઉત્પાદન કેન્દ્રોને ખૂબ જ ઓછા સમયમાં નષ્ટ કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર અમેરિકાની સૈન્ય ક્ષમતા એવી છે કે થોડા જ સમયમાં ઈરાનની પાવર સિસ્ટમને અસર પહોંચાડી શકાય.
'એક જ હુમલામાં બધાને ખતમ કરી શક્યા હોત'
તાજેતરમાં એક મુલાકાત દરમિયાન ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ખામેનીના અંતિમ સંસ્કારમાં ઈરાનના ટોચના નેતાઓ એક જ સ્થળે હાજર હતા અને અમેરિકા ઇચ્છે તો "એક જ હુમલામાં" તમામને નિશાન બનાવી શક્યું હોત. જોકે તેમણે ઉમેર્યું કે આવું કરવામાં આવ્યું નહીં, કારણ કે પછી વાટાઘાટો માટે કોઈ નેતૃત્વ બાકી રહેતું નહીં. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી પ્રયાસો હજુ સુધી કોઈ નિર્ણાયક પરિણામ પર પહોંચ્યા નથી.
ઈરાનનો વળતો પ્રહાર
ટ્રમ્પના નિવેદન સામે ઈરાને પણ આકરો પ્રતિભાવ આપ્યો છે. આર્મેનિયામાં આવેલા ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અમેરિકા અને ટ્રમ્પની ટીકા કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું કે અમેરિકા ક્યારેય ઈરાનની લાગણીઓ અને ઇતિહાસને સમજી શકશે નહીં. દૂતાવાસે લખ્યું કે, "લોકોને મારી શકાય છે, પરંતુ વિચારોને નહીં. તમે આયાતુલ્લાહ ખામેનીને મારી નાખ્યા હશે, પરંતુ તેમની વિચારધારાને નહીં. તમે માત્ર પરફ્યુમની બોટલ તોડી છે, તેની સુગંધ આજે પણ દરેક જગ્યાએ ફેલાઈ રહી છે."
આ પણ વાંચો: ખામેનીની અંતિમયાત્રામાં લાખોની ભીડ : 1989ની દુર્ઘટના ફરી ન બને તે માટે હાઈ એલર્ટ
ખામેનીના અંતિમ સંસ્કારમાં ઉમટ્યો જનસાગર
ઈરાનમાં આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજધાની તેહરાન બાદ કોમ સહિતના શહેરોમાં પણ શોકયાત્રા યોજાઈ રહી છે. રાજ્ય મીડિયાના જણાવ્યા અનુસાર અંતિમ સંસ્કારની વિવિધ ધાર્મિક વિધિઓ બાદ ખામેનીના પાર્થિવ દેહને મશહદમાં દફનાવવામાં આવશે. અનેક દેશોના પ્રતિનિધિઓ પણ અંતિમ સંસ્કાર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પના આ નિવેદનથી મધ્ય પૂર્વની પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની શકે છે. રાજદ્વારી પ્રયાસો સફળ થશે કે બંને દેશો વચ્ચે ફરી ટકરાવ વધશે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે.





