Home International Hormuz Strait 60 Days Toll Free Iran Usa Mou Point 5 Gujarati

હોર્મુઝ સ્ટ્રેટ 60 દિવસ માટે જ ટોલ ફ્રી? : અમેરિકા-ઈરાન શાંતિ કરારના 5મા મુદ્દાએ ઊભા કર્યા નવા સવાલો

Hormuz Strait Iran USA MoU
Image Credit: @CryptoTweets
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 05:31 AM IST

Hormuz Strait Iran USA MoU: અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય અથડામણો બાદ હવે બંને દેશો શાંતિ તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલા 14 મુદ્દાના સમજૂતી કરાર (MoU)ને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કરાર માત્ર યુદ્ધવિરામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં વૈશ્વિક વેપાર, ઊર્જા સુરક્ષા અને મધ્યપૂર્વના ભૂરાજકીય સંતુલનને અસર કરી શકે તેવી મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ સામેલ છે. ખાસ કરીને વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાં ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ અંગે કરારમાં કરવામાં આવેલી જોગવાઈઓએ આંતરરાષ્ટ્રીય વેપાર વર્તુળોમાં નવી ચર્ચા શરૂ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ એ એવો દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ વેપારનો મોટો હિસ્સો પસાર થાય છે. યુદ્ધ દરમિયાન આ માર્ગ બંધ થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન અને તેલ બજારોમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ હતી. હવે માર્ગ ફરી ખુલવાનો રસ્તો સાફ થયો છે, પરંતુ કરારના પાંચમા મુદ્દાએ ભવિષ્ય અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

શું કહે છે MoUનો પાંચમો મુદ્દો?

સત્તાવાર દસ્તાવેજના પાંચમા મુદ્દા મુજબ, કરાર પર હસ્તાક્ષર થયા બાદ ઈરાન આગામી 60 દિવસ સુધી તમામ વાણિજ્યિક જહાજોને પર્શિયન ખાડી અને ઓમાન સાગર વચ્ચે કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ ચૂકવ્યા વગર સુરક્ષિત અવરજવર કરવાની મંજૂરી આપશે. આ જોગવાઈનો હેતુ યુદ્ધ બાદ તરત જ વૈશ્વિક વેપારને ફરી ગતિ આપવાનો અને ઊર્જા સપ્લાયમાં આવેલા વિક્ષેપને દૂર કરવાનો માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા માત્ર 60 દિવસ માટે જ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે, જેના કારણે ભવિષ્યમાં શું થશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. કરારમાં વધુમાં જણાવાયું છે કે, દરિયાઈ માર્ગમાં યુદ્ધ દરમિયાન ઊભી થયેલી ટેકનિકલ અને સુરક્ષા સંબંધિત અડચણોને દૂર કરવા માટે ઈરાનને અંદાજે 30 દિવસનો સમય લાગશે. આ સમયગાળા દરમિયાન દરિયામાં બિછાવાયેલી બારૂદી સુરોંગો અને અન્ય જોખમોને દૂર કરવામાં આવશે જેથી જહાજોની અવરજવર સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થઈ શકે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી: પશ્ચિમ એશિયાના યુદ્ધનો અંત લાવવા MoU પર હસ્તાક્ષર, હોર્મુઝની ખાડી ફરી ખુલશે

60 દિવસ પછી શું બદલાઈ શકે?

વિશ્લેષકોનું ધ્યાન સૌથી વધુ પાંચમા મુદ્દાના અંતિમ ભાગ પર કેન્દ્રિત થયું છે. આ ભાગમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન ભવિષ્યમાં ઓમાન તથા પર્શિયન ખાડી વિસ્તારના અન્ય તટવર્તી દેશો સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટના સંચાલન અંગે ચર્ચા કરશે. આ શબ્દપ્રયોગ સામાન્ય લાગતો હોવા છતાં તેની પાછળ મોટી વ્યૂહાત્મક સંભાવનાઓ છુપાયેલી હોવાનું માનવામાં આવે છે. કારણ કે કરારમાં ક્યાંય પણ એવું સ્પષ્ટ લખાયું નથી કે 60 દિવસ બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ટોલ ફ્રી રહેશે. આ જ કારણ છે કે, આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ, તેલ વેપારીઓ અને વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ આ મુદ્દાને ગંભીરતાથી જોઈ રહ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટનું વૈશ્વિક મહત્ત્વ કેટલું?

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. મધ્યપૂર્વના તેલ ઉત્પાદક દેશોનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ અને LNG નિકાસ આ માર્ગ દ્વારા જ વૈશ્વિક બજારો સુધી પહોંચે છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીઓના અંદાજ મુજબ વિશ્વમાં દરરોજ વહન થતા કુલ સમુદ્રી ક્રૂડ ઓઈલના આશરે 20 ટકા જેટલો જથ્થો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. પરિણામે અહીં થતી કોઈપણ અવરોધક ઘટના સીધી વૈશ્વિક તેલના ભાવ, પરિવહન ખર્ચ અને ઊર્જા સુરક્ષાને અસર કરે છે. યુદ્ધ દરમિયાન જ્યારે આ માર્ગ બંધ થયો હતો ત્યારે અનેક દેશોએ વૈકલ્પિક સપ્લાય રૂટ શોધવા પડ્યા હતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.

આ પણ વાંચો: અમેરિકી નાકાબંધી તોડી ઈરાને ફરી શરૂ કરી ક્રૂડ ઓઈલ નિકાસ: પ્રથમ ટેન્કરો ‘હીરો II’ અને ‘ડાયોના’ હોર્મુઝ માર્ગે રવાના

શું ભવિષ્યમાં ટોલ ટેક્સ લાગશે?

કરારમાં સીધો ઉલ્લેખ ન હોવા છતાં અનેક નિષ્ણાતો માને છે કે 60 દિવસના સંક્રમણકાળ બાદ હોર્મુઝ સ્ટ્રેટ માટે નવી મેનેજમેન્ટ ફ્રેમવર્ક તૈયાર થઈ શકે છે. આ પ્રક્રિયામાં ઈરાન, ઓમાન અને અન્ય તટવર્તી દેશો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો ભવિષ્યમાં કોઈ નવી વ્યવસ્થા હેઠળ જહાજો પાસેથી ટોલ વસૂલવાનો નિર્ણય લેવાય તો તેની સીધી અસર વૈશ્વિક શિપિંગ ખર્ચ પર પડી શકે છે. પરિવહન ખર્ચમાં વધારો થતાં તેલ, ગેસ અને અન્ય આયાતી ચીજવસ્તુઓના ભાવ પર પણ દબાણ આવી શકે છે. જોકે હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેમ છતાં MoUમાં સામેલ ભાષાએ ભવિષ્યમાં હોર્મુઝના સંચાલન અને સંભવિત ટોલ સિસ્ટમ અંગે અટકળોને વેગ આપ્યો છે.

આગામી 60 દિવસ રહેશે નિર્ણાયક

આગામી બે મહિના અમેરિકા-ઈરાન સંબંધો અને હોર્મુઝ સ્ટ્રેટના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે અંતિમ શાંતિ કરાર અંગે ચર્ચાઓ આગળ વધશે, જ્યારે હોર્મુઝના લાંબા ગાળાના સંચાલન અંગે પણ નિર્ણાયક ચર્ચાઓ થવાની શક્યતા છે. વિશ્વભરના ઊર્જા બજારો, શિપિંગ ઉદ્યોગ અને રોકાણકારોની નજર હવે માત્ર યુદ્ધવિરામ પર નહીં, પરંતુ 60 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ માટે કઈ નવી વ્યવસ્થા અમલમાં આવે છે તેના પર કેન્દ્રિત થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now