Home Gujarat Holi Celebration At Palaj Gandhinagar

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાઈ : હોળીની ઝાળ જોઈને આગાહીકાર અંબાલાલ પટેલે આપ્યો વરતારો

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાઈ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 04:03 PM IST

ગુજરાતભરમાં આજે મોડી સાંજે ધામધૂમથી હોલિકા દહનનો આરંભ થયો. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ પરંપરાગત રીતે આગાહી સાથે પણ જોડાયેલો છે. ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં પરંપરાગત રીતે રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવવામાં આવી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા.

અહીં છેલ્લા 700 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. શ્રદ્ધા, સાહસ અને આગાહીના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં આ વર્ષે પણ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

7 સદી જૂની અનોખી પરંપરા અને 'અગ્નિ પર પગલા'

પાલજ ગામની આ હોળીની વિશેષતા તેની ઊંચાઈ છે. આશરે ૩૫ ફૂટ જેટલી વિશાળ હોળીને મહાકાળી માતાના પૂજન બાદ પ્રગટાવવામાં આવે છે. આ હોળી માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગ્રામજનોની અડગ આસ્થાનું પ્રતીક છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, હોળી પ્રગટ્યા બાદ જ્યારે અંગારા ધગધગતા હોય, ત્યારે ભક્તો તેના પર ખુલ્લા પગે ચાલે છે. વર્ષોની આ પરંપરામાં હજુ સુધી કોઈ પણ શ્રદ્ધાળુ દાઝ્યા હોવાની ઘટના બની નથી, જેને લોકો દૈવી ચમત્કાર માને છે.

અંબાલાલ પટેલનો વર્તારો: ખેડૂતો માટે ખુશખબર

આ પ્રસંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા અને પવનની દિશાનું નિરીક્ષણ કરીને આગામી વર્ષનો વર્તારો રજૂ કર્યો હતો. અંબાલાલ પટેલની આગાહી મુજબ:

• ચોમાસાના સંકેત: આ વર્ષે હોળીનો પવન ઉત્તર-દક્ષિણ દિશાનો છે, જે આગામી ચોમાસું ખેડૂતો માટે અત્યંત સાનુકૂળ રહેવાના સંકેત આપે છે.

• હવામાનમાં ફેરફાર: હાલમાં સવારના સમયે ઠંડી અને બપોર બાદ ગરમીનું પ્રમાણ જોવા મળશે.

• પાક અને સમૃદ્ધિ: હોળીની જ્વાળા અને પવનની ગતિ જોતા ગુજરાતમાં સારો વરસાદ અને મબલખ પાક થવાની પૂરેપૂરી સંભાવના છે. પવન ધુમરી ન લેતો હોવાથી વર્ષ શાંત અને સમૃદ્ધ રહેશે.

રાજ્યની સૌથી મોટી હોળી હોવાને કારણે અહીં ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માત્ર હવામાન જ નહીં, સ્થાનિક જ્યોતિષીઓ પણ હોળીની ધજા જે દિશામાં વળે તેના આધારે વર્ષના સુખ-શાંતિની આગાહી કરે છે.

વરસાદ વિશે આગાહી કરવા માટે માત્ર હોળીની જ્વાળા જ નહીં, પરંતુ અન્ય પરંપરાગત પદ્ધતિઓ પણ અપનાવવામાં આવે છે. જેમ કે રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ દરમિયાન વાહનની ગણતરી, ચોક્કસ તિથિઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના દિવસે પવનની દિશા તેમજ નાના નાના જીવજંતુઓની હરકતો પરથી પણ વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. આ પરંપરાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત નથી હોવા છતાં, ખેડૂતો આજે પણ તેમાં વિશ્વાસ રાખે છે. ખાસ કરીને ખેતી પર નિર્ભર લોકો માટે સારો વરસાદ જીવનમરણનો પ્રશ્ન હોય છે, તેથી તેઓ આવી પરંપરાગત આગાહીઓને મહત્વ આપે છે.

પાલજની આ હોળી સાબિત કરે છે કે આજના આધુનિક યુગમાં પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકઆસ્થા એટલી જ જીવંત અને પ્રસ્તુત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now