Home International Hiv Aids Test Will Mandatory In Meghalaya Before Marriage

ભારતના આ રાજ્યમાં હવે HIV ટેસ્ટ વગર નહીં થાય લગ્ન : સતત વધતા એઈડ્સના કેસોથી ફફડાટ, નવો કાયદો લાગૂ કરવા સરકારની કવાયત

ભારતના આ રાજ્યમાં હવે HIV ટેસ્ટ વગર નહીં થાય લગ્ન
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 11:04 AM IST

HIV/AIDS NEWS: ભારત માટે પણ એઈડ્સ એક ગંભીર સમસ્યા બનીને ઊભરી શકે છે. કારણકે, જનસંખ્યામાં વધારો થતાં હવે HIVના કેસોમાં પણ વધારો થવા માંડ્યો છે. એવામાં દેશના કેટલાંક ભાગોમાં એઈડ્સના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ યાદીમાં દેશમાં છઠ્ઠા સ્થાને પહોંચેલા મેઘાલયે હવે પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા નવો રસ્તો અપનાવવનું નક્કી કર્યું છે.

HIV/એઇડ્સના પ્રસારના મામલામાં મેઘાલય દેશમાં છઠ્ઠા સ્થાન પર છે. ખાસ કરીને પૂર્વોત્તર ક્ષેત્ર પર તેનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે. મેઘાલયની સરકાર લગ્ન પહેલાં HIV/AIDS ટેસ્ટ અનિવાર્ય બનાવવા અંગે કાયદાકીય મિશન-મૂડમાં વિચાર કરી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી, એમ્પરીન લિંગદોહે જણાવ્યું કે, “જો ગોવાએ લગ્ન પહેલા એચઆઈવી તપાસ ફરજીયાત કરી છે તો મેઘાલયે આ કાયદો કેમ લાગૂ ન કરવો જોઈએ? આ સમાજ માટે ફાયદાકારક સાબિત થશે.”

રાજ્ય સરકાર નવી નીતિ તૈયાર કરશે:

શિલોંગ, મેઘાલય – રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા મળેલી માહિતી અનુસાર મેઘાલય સરકાર HIV/AIDS સામે વધુ અસરકારક રીતે લડવા માટે વિસ્તારવાર નીતિ તૈયાર કરી રહી છે. નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટિનસોંગની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજ કલ્યાણ મંત્રી પોલ લિંગદોહ, તેમજ ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના આઠ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે HIV/AIDS પર રાજ્યકક્ષાની નીતિ બનાવવામાં આવશે અને તે માટે આરોગ્ય વિભાગને કેબિનેટ નોટ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે. ઉપરાંત, એવી જ પ્રકારની બેઠક આગામી સમયમાં ગારો હિલ્સ અને જૈંતિયા હિલ્સ જેવા અન્ય જિલ્લાઓમાં પણ આયોજિત થશે, જેથી દરેક વિસ્તારમાં નિશ્ચિત જરૂરિયાતોને અનુરૂપ રણનીતિ તૈયાર કરી શકાય.

ચિંતાજનક આંકડા:

આરોગ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે માત્ર ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લામાં અત્યાર સુધી 3432 HIV/AIDSના કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર 1581 દર્દી જ હાલ સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સંક્રમણનું મુખ્ય કારણ "અસુરક્ષિત યૌન સંબંધો" છે, જે પર નિવારક પગલાં લેવાંની તાતી જરૂર છે.


મંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, "HIV/AIDS કોઈ ઘાતક રોગ નથી જો તેની યોગ્ય સમયે અને યોગ્ય રીતે સારવાર કરવામાં આવે." તેમણે રાજ્યના નાગરિકોને તકેદારી અને સમયસર તપાસ કરાવવાની સલાહ આપી. રાજ્ય સરકાર આ દિશામાં નિયમિત અભિયાનો તેમજ જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

ગોવાના મોડલથી પ્રેરણા:

મહત્વપૂર્ણ વાત એ છે કે જેમ ગોવા રાજ્યએ HIV કેસ વધતાં HIV ટેસ્ટ માટે ચોક્કસ નિયમો લાગુ કર્યા છે, તેવી જ રીતે મેઘાલય પણ પોતાની જરૂરિયાતો અનુસાર કાયદેસર પગલાં લેશે.

મેઘાલય સરકાર HIV/AIDS સામે સંકલિત અને વિસ્તારકેન્દ્રિત અભિગમ અપનાવવાનું યોજના બનાવી રહી છે. સરકારી તંત્ર, ધારાસભ્યો અને તબીબી તજજ્ઞો સાથેની સંવાદિતા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં રોગ પ્રત્યે જાગૃતિ અને નિયંત્રણ લાવવા માટે દૃઢ પ્રતિબદ્ધતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video