Home Gujarat Historic Mou Between Centre And State Government Under Jal Jeevan Mission 20 Clean Water Reach Remotest People Of Gujarat

ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ જળ : જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઐતિહાસિક MoU

ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ જળ
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 07:49 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં પાણી પુરવઠાના માળખાને વધુ સુદ્રઢ બનાવવા અને ગ્રામ્ય સ્તરે પીવાના પાણીની વ્યવસ્થાને લાંબાગાળા સુધી ટકાઉ રાખવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની વર્ચ્યુઅલ હાજરીમાં 'જલ જીવન મિશન 2.0' અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના એમ.ઓ.યુ. (MoU) સંપન્ન થયા છે. આ કરાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 'નલ સે જલ' યોજનાને નવી ઊંચાઈએ લઈ જઈ, પાણી પુરવઠાના વ્યવસ્થાપનને વધુ આધુનિક અને પારદર્શક બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કેન્દ્રની દરેક જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં અગ્રેસર રહી છે. રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવું એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ નવા એમ.ઓ.યુ. માત્ર પાણી વિતરણ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસ અને પેયજળ વ્યવસ્થાપનમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

વર્ષ 2028 સુધીનું લક્ષ્યાંક: મજબૂતીકરણ અને સસ્ટેનેબિલિટી પર ભાર

જલ જીવન મિશનની સફળતા બાદ હવે તેના બીજા ચરણ એટલે કે 'જલ જીવન મિશન 2.0' ની શરૂઆત કરવામાં આવી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2028 સુધીમાં રાજ્યની પાણી પુરવઠા યોજનાઓને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ (Sustainable) બનાવવાનો છે. નોંધનીય છે કે ગુજરાતે ઓક્ટોબર 2022માં જ 'હર ઘર જલ'નું લક્ષ્યાંક પૂર્ણ કરી દીધું હતું, પરંતુ હવે 2.0 અંતર્ગત ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) પર વિશેષ ભાર મૂકીને પાણીના સ્ત્રોતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

'સુજલમ ભારત' થી આવશે પારદર્શિતા

જલ જીવન મિશન 2.0 ની સૌથી મોટી ખાસિયત તેની સંપૂર્ણ પારદર્શિતા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે. નવા થયેલા એમ.ઓ.યુ. મુજબ, હવે રાજ્યમાં પાણી પુરવઠાના તમામ પ્રોજેક્ટ્સનું ડિજિટલ મોનીટરીંગ કરવામાં આવશે, જેના માટે 'સુજલમ ભારત' અને 'પીએમ ગતિશક્તિ' જેવા અત્યાધુનિક પ્લેટફોર્મનો સીધો ઉપયોગ કરાશે. આ ટેકનોલોજીની મદદથી યોજનાઓના અમલીકરણમાં ગતિ આવશે અને સાથે જ નાણાકીય શિસ્ત તથા પાણીની ગુણવત્તાની સતત ચકાસણી પણ ઓનલાઇન માધ્યમથી સુનિશ્ચિત કરવામાં આવશે. આ ડિજિટલ ક્રાંતિથી પ્રોજેક્ટ્સમાં વિલંબ થવાની શક્યતા ઘટશે અને છેવાડાના ગામ સુધી પાણી પહોંચી રહ્યું છે કે નહીં તેની સચોટ માહિતી સરકાર પાસે ઉપલબ્ધ રહેશે.

માત્ર ટેકનોલોજી જ નહીં, પણ આ મિશનમાં માનવ સંસાધન અને સામાજિક જાગૃતિ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તરે પાણીની પાઇપલાઇન અને નળના જોડાણોના ટેકનિકલ નિભાવ માટે 'નલ જલ મિત્ર' જેવી નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સ્થાનિક યુવાનોને કૌશલ્ય વર્ધન તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, પાણીના બચાવ અને સંગ્રહ માટે ગ્રામીણ જનતામાં જાગૃતિ લાવવા માટે 'જલ ઉત્સવ' જેવા જનઅભિયાનો પણ આ મિશનનો એક અભિન્ન ભાગ રહેશે. આમ, ટેકનોલોજી અને જનભાગીદારીના સુમેળથી ગુજરાતમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો લક્ષ્યાંક છે.

ગામ પંચાયતોની ભાગીદારી અને જવાબદારીઓનું વિભાજન

આ કરાર અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની ભૂમિકાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર માર્ગદર્શન અને ફંડિંગ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર યોજનાઓનું ટેકનિકલ અમલીકરણ અને નીતિગત સુધારા કરશે. મહત્વની વાત એ છે કે, યોજનાઓ પૂર્ણ થયા બાદ તેને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવશે. ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટિ (VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે જ પાણીની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય. આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને કેન્દ્રના સચિવો જોડાયા હતા, જ્યારે ગાંધીનગર ખાતે અગ્ર સચિવ શાહમીના હુસેન સહિતના ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now