Home Gujarat Himmatnagars Daughter Fulfills Her Fathers Dream

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર : ગરિમા નામ્બીયાર બની ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ! પ્રથમ પ્રયત્નમાં જીતી લીધું ત્રીજું સ્થાન

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 11:41 AM IST

Gujarat High Court civil judge exam: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી એક પ્રેરણાદાયક સફળતાની વાત સામે આવી છે. મહેતાપુરા વિસ્તારની રહેવાસી 25 વર્ષીય ગરિમા ગોપીનાથ નામ્બીયારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવીને જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ વધુ ખાસ એટલા માટે છે કારણ કે ગરિમાએ આ પરીક્ષા પ્રથમ જ પ્રયત્નમાં પાસ કરી છે. તેમણે LL.B.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં લગભગ પાંચ મહિના એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ જજ બનવાના સપનાને સાકાર કરવા માટે તૈયારી શરૂ કરી અને મહેનતથી આ ઉત્તમ પરિણામ મેળવ્યું.

મહેનતથી પિતાનું આ સપનું પૂરું કરી બતાવ્યું

ગરિમાના પિતા એક એડવોકેટ હતા અને નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેમનું એક મોટું સપનું હતું કે તેમની દીકરી જજ બને. આજે ગરિમાએ પોતાની લગન, સંકલ્પ અને અથાગ મહેનતથી પિતાનું આ સપનું પૂરું કરી બતાવ્યું છે.

ગરિમાની માતા ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ પરિવારની જવાબદારી સંભાળવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી ગરિમાના પરિવારમાં તેમની માતા અને નાનો ભાઈ છે, જે હાલમાં અભ્યાસ કરી રહ્યો છે.

ગરિમાની આ સિદ્ધિ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ

ગરિમાની આ સફળતાથી પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હિંમતનગર શહેર, મહેતાપુરા વિસ્તાર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ગૌરવ અને આનંદનો માહોલ છે. ગરિમાની આ સિદ્ધિ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. તે સાબિત કરે છે કે મહેનત, લગન, પરિવારના આશીર્વાદ અને અડગ ઇરાદા હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now