Home Gujarat Himmatnagar Canada Visa Fraud Preeti Institute Case

હિંમતનગરમાં કેનેડા વિઝાના નામે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ : 'પ્રીતિ ઇન્સ્ટિટ્યુટ' સંચાલિકા સામે ગુનો, પોલીસ તપાસ તેજ

હિંમતનગર પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: Jul 11, 2026, 06:44 AM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે 'પ્રીતિ ઇન્સ્ટિટ્યુટ'ની સંચાલિકા પ્રીતિ વ્યાસ સામે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં એક ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતાં વધુ પીડિતો સામે આવવા લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી સાત લોકો સાથે આશરે ₹1.37 કરોડની છેતરપિંડી થયાની વિગતો સામે આવી છે. બીજી તરફ કેટલાક લોકો દ્વારા કુલ ₹16 કરોડથી વધુની ઠગાઈ થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેની પોલીસ અલગથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માત : ટ્રકમાં પાછળથી ઘૂસી કાર, 4 લોકોના મોત, બાળકનો ચમત્કારિક બચાવ

23 લાખ લઈને માત્ર 4 લાખ પરત આપ્યાનો આક્ષેપ

ફરિયાદી પ્રિયમસિંહે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2022થી તેમને કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને અલગ-અલગ તબક્કામાં કુલ ₹23 લાખ લેવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, બાદમાં માત્ર ₹4 લાખ પરત આપવામાં આવ્યા જ્યારે બાકીના ₹19 લાખ પરત આપવામાં આવ્યા નહીં. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આ માત્ર એક ફરિયાદ નથી, પરંતુ સમાન પ્રકારની અન્ય ફરિયાદો પણ સામે આવી રહી હોવાથી સમગ્ર કેસને ગંભીરતાથી તપાસવામાં આવી રહ્યો છે.

DySPએ શું કહ્યું?

સાબરકાંઠા DySP અતુલ પટેલે જણાવ્યું હતું કે હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 'પ્રીતિ ઇન્સ્ટિટ્યુટ'ના નામે સંસ્થા ચલાવી લોકોને કેનેડા સહિત વિદેશમાં વર્ક વિઝા અપાવવાનું કહી નાણાં લઈને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. તેમણે જણાવ્યું કે હાલના ફરિયાદી પાસેથી આશરે ₹23 લાખ લેવામાં આવ્યા હોવાનો આરોપ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી આવા સાત જેટલા પીડિતો સામે આવ્યા છે. આ તમામ કેસોને જોડતા આશરે ₹1.37 કરોડની છેતરપિંડી થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. દરેક અરજદાર પાસેથી અલગ-અલગ રકમ લેવામાં આવી હોવાનું પણ પોલીસના જણાવ્યા અનુસાર સામે આવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક બાળકનો મૃતદેહ મળતા ચકચાર : 2 દિવસથી ગુમ 11 વર્ષીય બાળક તાપી કિનારેથી મળ્યો

દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યા આક્ષેપ

તપાસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક લોકોએ પણ સમાન પ્રકારે વિઝા અપાવવાના બહાને છેતરાયા હોવાના આક્ષેપ સાથે પોલીસનો સંપર્ક શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે કેસનો વ્યાપ વધુ મોટો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ તમામ અરજદારોના નિવેદનો, બેંક ટ્રાન્ઝેક્શન, નાણાકીય દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે. અત્યાર સુધી સામે આવેલા આક્ષેપોની સત્યતા તપાસ્યા બાદ જ કુલ નુકસાનની ચોક્કસ રકમ અંગે સ્પષ્ટતા થશે.

આરોપીની શોધખોળ ચાલુ

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પ્રીતિ વ્યાસ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેની ધરપકડ માટે વિવિધ સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ સંસ્થાના દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત સહયોગીઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે વિઝા અથવા વિદેશમાં નોકરી અપાવવાના નામે મોટી રકમ ચૂકવતા પહેલાં સંસ્થાની માન્યતા, લાઇસન્સ અને સત્તાવાર દસ્તાવેજોની ચકાસણી કરવાની પણ લોકોને અપીલ કરી છે. તપાસ આગળ વધતાં વધુ ફરિયાદીઓ સામે આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now