સુરેન્દ્રનગર કોર્ટે નકલી ચલણી નોટના કેસમાં બે આરોપીઓને સજા કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં બિહારના બે અરજદારો દ્વારા સુરેન્દ્રનગર કોર્ટે ફટકારેલ આજીવન કારાવાસની સજા સામે અપીલ દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજદારોની અપીલ ગ્રાહ્ય રાખીને સુરેન્દ્રનગર કોર્ટના ચુકાદાને રદ્દ કર્યો હતો તેમજ અરજદારોએ ભરેલી દંડની રકમ પરત કરવા હુકમ કર્યો હતો.
કેસની વિગતવાર નજર કરીએ તો સુરેન્દ્રનગર SOGને બાતમી મળી હતી કે નકલી નોટ સંદર્ભે નોંધાયેલી એક ફરિયાદમાં કેટલાક આરોપીઓ જેલમાં છે. જેની જામીન કરાવવા બિહારથી બે શખ્સો સુરેન્દ્રનગર કોર્ટમાં આવવાના છે અને તેમની પાસે નકલી નોટ છે. જે સંદર્ભે સુરેન્દ્રનગર કોર્ટમાં SOGએ વોચ ગોઠવીને બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી 1000 અને 500ના દરની કુલ 25 નકલી નોટ મળી આવી હતી.
આ નકલી 20 હજાર રૂપિયા તેઓ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં વટાવવાની શક્યતા હતી. સુરેન્દ્રનગર કોર્ટે કુલ 18 પુરાવા અને 10 સાહેદોના નિવેદનને આધારે બંને આરોપીઓને આજીવન કારાવાસ અને કુલ 08 હજાર રૂપિયા દંડ કર્યો હતો. નેપાળ અને બિહારથી આ ચલણી નોટો સુરેન્દ્રનગરમાં વટાવવા લાવવામાં આવી હોવાનું પોલીસનું કહેવું હતું. જો કે હાઇકોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ સામે ફરિયાદ પક્ષ પાસે પૂરતા પુરાવા નથી. આરોપીઓ પાસે રહેલ ચલણી નોટો નકલી છે કે તે વાપરવાનો તેમનો કોઈ ઈરાદો હતો તે સાબિત થઈ શક્યું નથી. જેથી હાઈકોર્ટે સુરેન્દ્રનગર કોર્ટનો ચુકાદો રદ્દ કરીને બંને એ જો દંડની રકમ ભરી હોય તો તે પણ પરત કરવા હુકમ કર્યો હતો.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





