Navsari Unseasonal Rain : નવસારી જિલ્લામાં ગઈ રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.49 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેતીવાડીમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બાગાયતી પાકો ઉપરાંત ડાંગર અને શાકભાજીના પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નવસારીમાં ધમધોકાર વરસાદ
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો નવસારીમાં 1.63 ઇંચ, જલાલપોરમાં 2.29 ઇંચ, ગણદેવીમાં 1.63 ઇંચ, ચીખલીમાં 1.22 ઇંચ, ખેરગામમાં 1.31 ઇંચ અને વાંસદામાં 2.49 ઇંચ વરસાદ નોંધાયો છે.
રેલવે પ્લેટફોર્મ પર પાણી લીકેજ
ભારે વરસાદના કારણે નવસારી રેલવે સ્ટેશનની દયનીય હાલત સામે આવી છે. સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પાણી લીકેજ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશન ઉપર લગાવવામાં આવેલા પતરામાંથી સતત પાણી ટપકતું હોવાથી રોજિંદા અપડાઉન કરતા મુસાફરોની હાલત કફોડી બની ગઈ છે.
લોકોમાં રોષ
વરસાદ દરમિયાન રેલવે પ્લેટફોર્મ પરથી પડતા પાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ પણ આવા વીડિયો વાયરલ થયા હતા, પરંતુ હાલત યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરો અને સ્થાનિકોએ રેલવે તંત્રને તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.






