કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વિગોડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ પોતાના જ પિતાની પથ્થર મારીને હત્યા કરી નાખી છે. આ નિર્મમ બનાવથી ગામમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વિગોડી ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ફકીરમામદ આમદ નોડે રાત્રે પોતાના ખાટલા પર સુતા હતા ત્યારે તેમના પુત્ર અભુભખરે અચાનક પથ્થર વડે તેમના મોઢા પર હુમલો કર્યો હતો. પથ્થરનો ગંભીર પ્રહાર થતાં ફકીરમામદ નોડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ગામમાં ભય અને આશ્ચર્યનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દીકરો અભુભખર સ્વભાવથી અત્યંત ક્રોધિત હતો અને માનસિક રીતે અસ્વસ્થ હતો. પિતા ફકીરમામદ વારંવાર પોતાના દીકરાને કામધંધો કરીને કમાવા માટે ઠપકો આપતા હતા, જેના કારણે દીકરો નારાજ રહેતો હતો.પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, કમાવા બાબતે પિતાએ વારંવાર આપેલા ઠપકાથી ક્રોધિત બની દીકરા અભુભખરે ખુન્નસમાં આવી પિતાની પથ્થર મારીને હત્યા કરી હતી. હાલ નખત્રાણા પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના માનવીય સંબંધોની સંવેદનશીલતા અને માનસિક અસંતુલનના જોખમને સ્પષ્ટ કરતી ચોંકાવનારી ઘટના ગણાય છે, જે ગામમાં હજી પણ ચર્ચાનો વિષય બની છે.






