ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શંકસ્પદ લોકો પર દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં એક પછી એક ઘણા જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.હરિયાણા પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ નૂહ જિલ્લામાં પાકિસ્તાની જાસૂસી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. નૂહ જિલ્લાના તાવડુ સબ-ડિવિઝનના કાંગરકા ગામમાંથી તારિક નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીએ છેલ્લા થોડાક દિવસોમાં 9 જાસૂસોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં અનેક રાજ ખુલ્યાં
સમગ્ર ઘટનાને લઈ પોલીસે જણાવ્યું હતું કે, મોહમ્મદ તારિક અને પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત બે પાકિસ્તાની નાગરિકો, આસિફ બલોચ અને ઝફર સામે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 152 અને સત્તાવાર ગુપ્તતા અધિનિયમની કલમ 3, 4 અને 5 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન માહિતી સામે આવી હતી કે, મોહમ્મદ તારિક પાકિસ્તાનમાં એક વોટ્સએપ નંબર પર સેનાની ગતિવિધિઓ સંબંધિત માહિતી, ફોટા અને વીડિયો શેર કરતો હતો. જ્યારે પોલીસે તારીકને પકડ્યો એ પહેલા તેણે મોબાઇલમાંથી કેટલાક ડેટા ડિલીટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસની તપાસ દરમિયાન બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ ફોનની તપાસ કરતા પાકિસ્તાની નંબરો પર સંવેદનશીલ માહિતી શેર કરી હોવાનું સામે આવ્યું હતું.






