ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની આવતીકાલથી ભારત-પાકિસ્તાન સરહદ વિસ્તારના ગામડાઓની મુલાકાત શરૂ થશે જેમાં 30 વરિષ્ઠ IPS અધિકારીઓ પણ સામેલ હશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદ પરના ગામોમાં રહેવાસીઓ સાથે સીધો સંપર્ક સાધી, તેમની સમસ્યાઓને સમજવાનો અને સીમાવર્તી વિસ્તારોની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવાનો છે.
હર્ષ સંઘવી 6 નવેમ્બરનાં રોજ સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી આ કાર્યક્રમનો આરંભ થશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક સરપંચો, ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે.
સીમા વિસ્તારના ગામોમાં રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને મહિલાઓ અને યુવાઓ સાથે સીધો સંવાદ કરીને સરકારના વિકાસકાર્ય અંગેની માહિતી અને તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રવાસ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓ જેવા મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર BSF અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાશે. તેમાં એન્ટીનેશનલ પ્રવૃત્તિઓ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે ચર્ચા કરવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ હોટલ કે સર્કિટ હાઉસમાં નહીં પરંતુ ગામના પરંપરાગત ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે. આ નિર્ણયથી સ્થાનિક લોકો સાથે સીધી નજીકતા વધારવાનો પ્રયાસ થશે તેમજ ગ્રામજનોની જીવનશૈલી અને સમસ્યાઓને નજીકથી સમજવાની તક મળશે.






