Home Gujarat Rajkot Hari Patel Nehru Gandhi Controversy Dhoraji Gujarat

"નહેરુ મુસ્લિમના દિકરા હતા", ભાજપના નેતાના નિવેદનથી વિવાદ : રાહુલ ગાંધીના પરિવારજનોને પણ ગણાવ્યા ખ્રિસ્તી અને મુસ્લિમ!

ધોરાજીમાં જાહેર સભામાં ભાષણ આપતા ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ
Published by: Vishal Dave
Last Updated: Apr 20, 2026, 06:34 AM IST

Gujarat Local Body Election 2026: આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ કરતા અલગ છે. ક્યારેય કોઈ ચૂંટણીમાં પણ ના થાય એવી હરકતો આ ચૂંટણીમાં થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે પોરબંદરથી ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે આપેલાં નિવેદનથી નવો વિવાદ છેડાયો છે. ધોરાજીના સુપેડીમાં પોરબંદરના પૂર્વ સાંસદની જીભ લપસી હતી. જેમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે જવાહરલાલ નેહરુને મુસ્લિમ કહ્યા હતા. અને તેમના પરિવારજનોને ખ્રિસ્તી તથા મુસ્લિમ ગણાવ્યા ભારે વિવાદ છેડાયો છે.

"નહેરુ મુસ્લિમના દિકરા હતા, પંડિત બની મત માંગતા હતાં": ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ

ચૂંટણી પ્રચારમાં નીકળેલાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણી કરતા હડકંપ મચી ગયો છે. ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યુંકે, "હિન્દુસ્તાનની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને, કાશ્મીરના પંડિત છે, એવી રીતે મત માંગીને મુરખ બનાવ્યાં છે. હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં. તેઓ મુસ્લિમના દિકરા હતા. મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોઈતું હોય એટલે પંડિત તરીકે મત લીધાં."

"એક પણ વ્યક્તિ ગાંધી પરિવારમાં જન્મ્યો નથી છતાં ગાંધીનું નામ ચાલે છે": ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ

ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે ગાંધી પરિવાર પર પણ આકરા પ્રહારો કર્યા. હરિ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યુંકે, "એક પણ વ્યક્તિ ગાંધી પરિવારમાં જન્મ્યો નથી. છતાં ગાંધી પરિવારનું નામ ચાલે છે. ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. આ બધા તો ખ્રિસ્તીઓ અને મુસ્લમાનો છે. છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મુરખ બનાવે છે." આ નિવેદન બાદ ભાજપમાં ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું છે. જવાબદાર નેતાઓની હાજરીમાં થયેલા આ બફાટથી પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બની શકે તેમ છે. બીજી તરફ આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે તેનો વળતો જવાબ આપ્યો છે.

"ભાજપના પૂર્વ સાંસદમાં જ્ઞાન જેવું કંઈ છે જ નહીં"

ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહીરે તેનો જવાબ આપતા જણાવ્યુંકે, ભાજપના માજી સાંસદને કોઈ જ્ઞાન જ નથી. એના કારણે તે ગમે તેમ બફાટ કરે છે. કોણે આવા નેતાઓને ભાજપમાં લીધાં. ભાજપમાં બધા આવા જ નેતાઓ ભર્યા છે.

ક્યાં આપ્યું હતું નિવેદન?

ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે નેહરુ-ગાંધી પરિવારે દેશની જનતાને છેતરી છે. પૂર્વ સાંસદે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્ર પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહીને સંબોધતા હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

ઉલ્લેખનીય છેકે, આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓએ બધી જ મર્યાદાઓ નેવે મુકી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા રાજનેતા અને મહાપુરુષો-વિભૂતિઓ વિશે પણ હવે લોકો ગમેતેમ બોલી રહ્યાં છે. એકબીજાને નીચા પાડવા, વિરોધ કરવો, આક્ષેપો કરવા અને નારાબાજી કરવી આ બધા કરતા પણ ખરાબ સ્થિતિ આ વખતે ઉભી થઈ છે. આ વખતે ફોર્મ પરત ખેંચવા ગયેલાં ઉમેદવારોને કિડનેપ કરી લેવામાં આવ્યાં, ધમકીઓ આપવામાં આવી, ઉમેદવારોના કપડાં ફાડી નાંખવામાં આવ્યાં. કેમેરામાં કેદ થયેલાં આ દ્રશ્યો સૌ કોઈએ જોયા છે. ગુજરાતના ઈતિહાસમાં આવી ચૂંટણી ક્યારેય થઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now