મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ કેપ્ટવન Hardik Pandyaનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ટીમના પ્રદર્શન અંગે નિરાશા વ્યક્ત કરી છે. Mumbai Indiansને Chennai Super Kings સામે 8 વિકેટથી હાર ભોગવવી પડી જે IPL 2026માં ટીમની સતત નબળી કામગીરીને વધુ સ્પષ્ટ કરે છે. આ મેચમાં ચેન્નાઈએ માત્ર 18.1 ઓવરમાં 160 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. જે મુંબઈ માટે એક તરફી હાર સાબિત થયો.
પંડ્યાનો સ્પષ્ટ સ્વીકાર
મેચ બાદ હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું કે ટીમ દરેક વિભાગમાં પાછળ રહી ગઈ. તેમણે કહ્યું કે આ સીઝન તેમની ટીમ માટે અનુકૂળ નથી રહી અને વિરોધી ટીમ દરેક ક્ષેત્રમાં વધુ સારી રહી. તેમણે ખાસ કરીને બેટિંગ અંગે કહ્યું કે ટીમ યોગ્ય લય મેળવી શકી નહોતી અને આ પિચ પર 180-190નો સ્કોર જરૂરી હતો પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ તે સ્તર સુધી પહોંચી શકી નહીં.
હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં ટીમ ચેન્નાઈ કરતાં નબળી રહી. તેમના શબ્દોમાં, ટીમને વધુ ગણતરીપૂર્વક ક્રિકેટ રમવાની જરૂર હતી.બોલિંગ વિશે પણ તેમણે સ્વીકાર્યું કે ઉપલબ્ધ વિકલ્પો સાથે જ ટીમ મેદાનમાં ઉતરી હતી, પરંતુ તે અસરકારક સાબિત થયા નહીં.
આ પણ વાંચો: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની ટીમની થઈ જાહેરાત : હરમનપ્રીત કૌર બની કેપ્ટન
મેચનો સંક્ષિપ્ત પ્રવાહ
મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં માત્ર 159 રન બનાવ્યા જે સ્પર્ધાત્મક ગણાતો સ્કોર નહોતો. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર બેટિંગ કરતાં સરળતાથી લક્ષ્યાંક હાંસલ કર્યો અને માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી.
આ જીત સાથે ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ વધુ મજબૂત બની છે, જ્યારે મુંબઈ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે.
સતત નિષ્ફળતા અને દબાણ
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન સતત નિરાશાજનક રહ્યું છે. ટીમ સ્થિરતા મેળવી શકી નથી અને મેચ પછી મેચ હારતી રહી છે. હાર્દિક પંડ્યાએ અગાઉ પણ સ્વીકાર્યું હતું કે ટીમ પોતાના ઊંચા ધોરણો સુધી પહોંચી શકી નથી અને કેટલાક નિર્ણયો તથા સંયોજનમાં ખામી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 22 સેકન્ડમાં પાઇપના 36 ફટકા મારી હત્યા : પોશ વિસ્તારમાં બનેલી ઘટનાના CCTVથી શહેરમાં ફફડાટ
આ હાર પછી મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફની દોડ લગભગ અશક્ય બની રહી છે. ટીમને હવે બાકી મેચોમાં પ્રયોગો કરવા અથવા આગામી સીઝન માટે સંયોજન શોધવાનો વિકલ્પ જ બાકી છે.
હાર્દિક પંડ્યાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ હવે આંતરિક વિશ્લેષણ અને ફેરફારો તરફ ધ્યાન આપશે. અગાઉ પણ તેમણે કહ્યું હતું કે “હવે ચર્ચા થશે કે શું બદલાવ કરી શકાય”.





