Home Gujarat Happy End To The Dispute In Junagadh Kirti Patel Reconciles With Indra Bharti Bapu Kirti Patel Touches Bapus Feet For Blessings

જૂનાગઢમાં વિવાદનો સુખદ અંત : કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ, મનભેદ પર મુકાયું પૂર્ણવિરામ

જૂનાગઢમાં વિવાદનો સુખદ અંત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 09:40 AM IST

જૂનાગઢ: ગિરનારની ગોદમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાઈવોલ્ટેજ ડ્રામા અને વિવાદ આખરે શાંત પડ્યો છે. સોશિયલ મીડિયામાં પોતાની આક્રમક શૈલી માટે જાણીતી કીર્તિ પટેલ અને જૂનાગઢના આદરણીય સંત ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના મનભેદનો અંત આવ્યો છે. જૂનાગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં કીર્તિ પટેલે સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને જાહેર મંચ પરથી આ વિવાદને કાયમી તિલાંજલિ આપી હતી. આ સમાધાનથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં રાહતનો શ્વાસ લેવાયો છે.

કેવી રીતે શરૂ થયો હતો વિવાદ?

આ સમગ્ર વિવાદના મૂળ મહાશિવરાત્રીના મેળામાં રહેલા છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રી મેળા દરમિયાન પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવાના મુદ્દે કીર્તિ પટેલ અને સાધુ-સંતો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર નિવેદનબાજીનો દોર શરૂ થયો હતો, જેમાં કીર્તિ પટેલે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે કીર્તિ પટેલ સામે ત્રણ અલગ-અલગ પોલીસ ફરિયાદો નોંધાઈ હતી અને જેલ જવાનો વારો પણ આવ્યો હતો.

સંતોનું સન્માન અને આશીર્વાદ: સમાધાનનો અંતિમ પડાવ

લાંબી ખેંચતાણ અને પોલીસ કાર્યવાહી બાદ આખરે મધ્યસ્થીઓ દ્વારા સમાધાનનો માર્ગ કાઢવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ, ભારતી આશ્રમના હરીહરાનંદ બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરીબાપુનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કીર્તિ પટેલે જાહેર કર્યું હતું કે, "ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાના અને વિવાદ વકરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી તે લોકો સફળ થયા નથી."

'સનાતન ધર્મ માટે સમાધાન જરૂરી'

સમાધાન બાદ પ્રતિક્રિયા આપતા કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, સનાતન ધર્મની એકતા અને ગુરુ પરંપરાના માન-સન્માનને જાળવી રાખવા માટે આ પગલું ભરવું અનિવાર્ય હતું. સંતોએ પણ ઉદારતા દાખવીને કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા અને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાની સલાહ આપી હતી. આ પ્રસંગે હાજર રહેલા ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.

પોલીસ કાર્યવાહી અને જામીન બાદ શાંતિ

ઉલ્લેખનીય છે કે, વિવાદ દરમિયાન કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જામીન પર મુક્ત થયા બાદ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો હતો. હવે કાયદાકીય પ્રક્રિયા બાદ સામાજિક રીતે પણ આ વિવાદ પૂરો થતા સોશિયલ મીડિયા પર થતી નિવેદનબાજી પર રોક લાગશે તેવી આશા સેવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now