Home International Hantavirus Outbreak Us France Cruise Ship Deaths 2026

હંટાવાયરસનો હાહાકાર : ક્રૂઝ શિપમાં 3 ના મોત બાદ દુનિયાભરમાં હંટાવાયરસનું એલર્ટ

Global Hantavirus alert after 3 deaths on MV Hondius cruise ship.
Published by: Vaishnavi Pathak
Last Updated: May 13, 2026, 03:16 AM IST

ક્રૂઝ શિપમાં સવાર મુસાફરોમાં જીવલેણ વાયરસના લક્ષણો દેખાતા દુનિયાભરમાં એલર્ટ

દુનિયા હજુ કોરોનાના આઘાતમાંથી માંડ બહાર આવી છે ત્યાં 'હંટાવાયરસ' (Hantavirus) એ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એક લક્ઝરી ક્રૂઝ શિપ 'MV Hondius' માં આ જીવલેણ વાયરસનો વિસ્ફોટ થયો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને સંક્રમણ હવે ફ્રાન્સ, સ્પેન અને અમેરિકા સુધી પહોંચી ગયું છે.

શું છે સમગ્ર ઘટના?

આ ક્રૂઝ શિપ 1 April 2026 ના રોજ આર્જેન્ટિનાથી રવાના થયું હતું. મુસાફરી દરમિયાન મુસાફરોમાં ગંભીર શ્વાસની તકલીફ અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે, જેમાંથી 6 કેસની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. આ વાયરસનો 'એન્ડીઝ સ્ટ્રેન' (Andes strain) જવાબદાર હોવાનું મનાય છે, જે માણસથી માણસમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે.

ફ્રાન્સ અને અમેરિકામાં નવા કેસ

ક્રૂઝ શિપમાંથી બહાર કાઢવામાં આવેલા મુસાફરો પૈકી એક અમેરિકન નાગરિક અને એક ફ્રેન્ચ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્પેનના કેનરી આઈલેન્ડ્સ (Canary Islands) ખાતે જહાજ લાંગરવામાં આવ્યું છે અને ત્યાંથી 94 મુસાફરોને તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમેરિકાના CDC એ હેલ્થ એલર્ટ જારી કરીને ડોક્ટરોને સાવધ રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો: દુનિયા પર નવો સ્વાસ્થ્ય ખતરો | ક્રૂઝ શિપ પર 29 મુસાફરો હન્ટાવાયરસની ઝપેટમાં | Offbeat Stories

હંટાવાયરસના લક્ષણો અને જોખમ

નિષ્ણાતોના મતે, હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરોના મળ-મૂત્ર અથવા લાળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જોકે, આ કેસમાં માણસથી માણસમાં સંક્રમણ થયું હોવાની આશંકા છે.

  • શરૂઆતી લક્ષણો: તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને ઉલ્ટી-ઝાડા.

  • ગંભીર સ્થિતિ: ફેફસામાં પાણી ભરાવું (HPS) અને શ્વાસ લેવામાં ભારે તકલીફ.

  • મૃત્યુદર: ન્યુ વર્લ્ડ હંટાવાયરસમાં મૃત્યુદર 38% થી 50% જેટલો ઉંચો હોઈ શકે છે.

હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ રસી કે ઇલાજ ઉપલબ્ધ નથી, માત્ર લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે. WHO એ હાલમાં વૈશ્વિક જોખમ ઓછું ગણાવ્યું છે પરંતુ ક્રૂઝ પરના લોકો માટે જોખમ મધ્યમ (Moderate) શ્રેણીનું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now