અમેરિકાનું ગન કલ્ચર સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. સ્વ-બચાવના ઓથા હેઠળ અપરાધિક ઘટનાઓ એટલી બધી વધી રહી છે કે તેમાં હવે બાળકોનો ભોગ સૌથી વધુ લેવાઈ રહ્યો છે, બાળકો તેમના જ ઘરમાં સુરક્ષિત નથી, તેની પાછળનું કારણ સામે આવ્યું ઘરમાં રહેલી બંદૂકો.
Univercity of California, Los Angelesના નવા અભ્યાસ મુજબ, 2010થી ઘરમાં બંદૂકોને કારણે બાળકો અને કિશોરોની હત્યા બમણી થઈ ગઈ છે.
JAMA Surgery માં પ્રકાશિત આ અભ્યાસ અને ડેન્વરમાં અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (AAP)ની બેઠકમાં રજૂ થયેલા તથ્યો ચોંકાવનારા છે. ઘર, જે બાળકો માટે સૌથી સુરક્ષિત સ્થળ હોવું જોઈએ, ત્યાં જ તેમના મોતનું જોખમ વધી રહ્યું છે, આજ ઘર બાળકો માટે મોતનું મેદાન બની ગયું છે. ખાસ કરીને એ રાજ્યો જ્યાં બંદૂક નિયંત્રણ કાયદા નબળા છે.
ઘરમાં ગન, બમણું જોખમ
અભ્યાસ અનુસાર, 2020-21 દરમિયાન બાળકો અને કિશોરો (17વર્ષથી નાના)ના કુલ બંદૂક સંબંધિત હત્યા કેસોમાંથી 24 ટકા ઘરમાં જ બન્યા હતા, જ્યારે 76 ટકા ઘરની બહાર બન્યા. વિશેષ રીતે, 12 વર્ષથી નાના બાળકોમાંથી 63 ટકા ઘરમાં જ માર્યા ગયા.
2010માં દર 1 લાખ બાળકો પર 0.18% ઘરેલુ બંદૂક હત્યા હતી, જે 2021માં વધીને 0.38% થઈ – એટલે કે બમણો વધારો!
હત્યાના કારણો :
23% કેસોમાં આત્મહત્યા સાથે હત્યા,
20% કેસોમાં બાળ અપરાધ.
17% કેસોમાં પરસ્પર સાથીઓ વચ્ચે હિંસા.
નબળા કાયદાની અસર
જે રાજ્યોમાં બંદૂક નિયંત્રણના કાયદા નરમ છે, ત્યાં ઘરેલુ બંદૂક હત્યાનું જોખમ 28% વધુ છે.
42% કેસોમાં હત્યારા માતા-પિતા નીકળ્યા.
UCLAના ડૉ. જોર્ડન રૂકના અભ્યાસમાં CDCના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં ઘટસ્ફોટ થયો કે 17 વર્ષથી નાના 3300 બાળકોની હત્યા બંદૂકથી થઇ.
14 રાજ્યો જેમ કે કોલોરાડો, ન્યૂ-જર્સી, મેસેચ્યુસેટ્સ, સાઉથ કેરોલિનાના 2005-2021ના ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરાયું.
સૌથી ઓછા મોત મેસેચ્યુસેટ્સમાં નોંધાયા, જ્યાં કડક બંદૂક કાયદા છે.
સૌથી વધુ મોત સાઉથ કેરોલિનામાં થયા, જ્યાં નિયંત્રણ નબળું છે.
રેડ ફ્લેગ’ કાયદાની અસર :
જે રાજ્યોમાં આ કાયદા છે, જે જોખમી ઘરોમાંથી બંદૂકો હટાવવાની મંજૂરી આપે છે, ત્યાં હત્યા દર ઓછો છે. ઓછા હત્યા દરવાળા 7માંથી 5 રાજ્યોમાં આ કાયદા હતા, જ્યારે વધુ દરવાળા 7માંથી માત્ર 2માં હતા.
ડૉ. રૂક કહે છે, “બંદૂકોને તાળું મારીને રાખવું એ પૂરતું નથી. બાળ અપરાધ, પરસ્પર હિંસા અને જોખમી ઘરોમાંથી બંદૂકો હટાવવાની નીતિઓ જરૂરી છે.” તેમણે ‘રેડ ફ્લેગ’ કાયદા અને ‘ચાઇલ્ડ એક્સેસ પ્રિવેન્શન’ કાયદાને મજબૂત કરવાની હિમાયત કરી.
વિશ્વના અન્ય વિકસિત દેશોમાં આવી સમસ્યા ખૂબ ઓછી છે, જ્યાં બંદૂક મોતનો દર અમેરિકાની તુલનામાં દસ ગણો ઓછો છે.
આ અભ્યાસ બતાવે છે કે ઘર, જે બાળકો માટે સલામત આશ્રય સ્થાન હોવું જોઈએ, તે બંદૂકોના કારણે સૌથી વધુ અસુરક્ષિત સ્થળ બની ગયું છે. ખાસ કરીને 12 વર્ષથી નાના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ દરેક ઘટના એક કુટુંબની દુ:ખદ વાર્તા છે. શું અમેરિકા આ બાળકોને બચાવવા માટે કડક પગલાં લેશે?