અમદાવાદમાં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાના વિવાદમાં ૨ વર્ષ અગાઉ તંત્ર દ્વારા રોંગ સાઈડ વાહન હાંકનાર લોકો પર યોગ્ય કાર્યવાહી કરી તેને અટકાવવાના પગલા લેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી પરંતુ હજુ સુધી તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જયારે ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ અરજી ઉપર સુનવણી ચાલી રહી છે. જજ એ.એસ.સુપેહિયા અને જજ આર.ટી.વાછાણી સમક્ષ આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરાઈ રહી છે, ત્યારે હાઇકોર્ટે તેના આદેશોના તિરસ્કાર બદલ અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા કહ્યું હતું, પણ તે ન થતા હવે કોર્ટ ચાર્જ ફ્રેમ કરશે.
સરકારી વકીલે કોર્ટને શું કહ્યું ?
સરકારી વકીલે આંકડા આપ્યા હતા કે રોંગ સાઇડ ડ્રાઇવના આરોપીઓ સામે જાન્યુઆરી મહિનામાં 75, ફેબ્રુઆરીમાં 42, માર્ચમાં 329, એપ્રિલમાં 133, મેં માં 95, જૂનમાં 226, જુલાઇમાં 16 દિવસમાં 329 FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89 હજાર ચલણ ઇસ્યૂ થયા છે વકીલો પણ ટ્રાફિક નિયમોના પાલનમાં છૂટછાટ લેતા પોલીસ જોડે ઝઘડો કરતા દેખાયા છે. વધુમાં તેઓએ કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર સમક્ષ રોંગ સાઇડ આવતા વાહનોને નાથવા કોર્ટની સૂચના ધ્યાને મૂકાઈ હતી. શહેર પોલીસ કમિશ્નરે રોંગ સાઇડ ડ્રાઈવિંગ કરનારા સામે કડક પગલા લેવા પોલીસ અધિકારીઓને હુકમ આપ્યો છે. વધુમાં તેઓએ કોર્ટને જણાવ્યું કે, ખરાબ પરિસ્થિતિઓમાં પણ ટ્રાફિક જવાનો કામ કરે છે. અમદાવાદમાં મેઘાણીનગર પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું. રથયાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. વરસાદી વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે.વરસાદ અને ભેજથી બચવા અને કંટાળેલા લોકો શોર્ટકર્ટ્સ માટે રોંગ સાઇડ ડ્રાઇવ કરે છે, આ માણસના મનની નબળાઈ છે. અમે રખડતા ઢોર અટકાવ્યા તેમ રોંગ સાઇડ આવતા વાહનોને પણ નાથીશું. કોર્ટ સમક્ષ અઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું.
ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?
પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનો કડક પાલન કરાવો. વાહનો રોંગ સાઈડ આવવાથી ગંભીર અક્સમાતો સર્જાય છે જેને અવગણી શકાય નહિ. હવે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર ઉપરની કન્ટેમ્પ અરજીની સુનવણી દર બુધવારે યોજાશે અને ઓથોરિટી રિપોર્ટ રજૂ કરશે. વધુમાં કોર્ટે કહ્યું કે, FIR નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.






