Home Gujarat Gujarats Voter Purge Draft List Released

ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી જાહેર : 3 લાખથી વધુ ડુપ્લીકેટ મતદારો દૂર કરાયા, 43470109 મતદારો નોંધાયા

ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી જાહેર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 01:26 PM IST

Gujarat's voter purge draft list: ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR – Special Intensive Revision) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 4,34,70,109 મતદારો નોંધાયા છે, જે અગાઉની તુલનામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

નવી ડ્રાફ્ટ યાદી અનુસાર ગુજરાતમાં 2,24,49,170 પુરુષ મતદારો અને 2,10,19,876 મહિલા મતદારો નોંધાયા છે, જ્યારે 1063 થર્ડ જેન્ડર મતદારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત રાજ્યમાં કુલ 5,08,43,219 મતદારો નોંધાયેલા હતા, જ્યારે હવે આ સંખ્યા ઘટીને 4.34 કરોડ પર આવી છે. એટલે કે રાજ્યમાં કુલ 73,73,110 મતદારો ઓછા થયા છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાર યાદીમાંથી નામ દૂર થવાના મુખ્ય કારણોમાં સૌથી વધુ મૃત્યુ પામેલા મતદારો છે. કુલ 18,07,278 મતદારોના મૃત્યુ થયા હોવાને કારણે તેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 40,25,553 મતદારો કાયમી સ્થળાંતર કરેલા હોવાનું સામે આવ્યું છે, જેમના નામ પણ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.

મતદાર યાદીની પારદર્શિતા જાળવવા માટે ડુપ્લીકેટ નોંધણી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. SIR પ્રક્રિયા દરમિયાન 3,81,470 મતદારો ડુપ્લીકેટ હોવાનું જણાતા તેમને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, 9,69,662 મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી, જેના કારણે તેમનો સમાવેશ ડ્રાફ્ટ યાદીમાં કરવામાં આવ્યો નથી. અન્ય વિવિધ કારણોસર 1,89,364 મતદારોના નામ પણ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ ડ્રાફ્ટ મતદાર યાદી છે અને નાગરિકોને દાવો-આપત્તિ માટે તક આપવામાં આવશે. જો કોઈ મતદારનું નામ ભૂલથી દૂર થયું હોય તો તે જરૂરી દસ્તાવેજો સાથે સુધારા માટે અરજી કરી શકે છે. SIR પ્રક્રિયાનો હેતુ સુચિત, ચોક્કસ અને વિશ્વસનીય મતદાર યાદી તૈયાર કરવાનો છે, જેથી આવનારી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now