Home Gujarat Gujarats Palsana Gram Panchayat Selected National E Governance Award Out Of 144 Lakh Gram Panchayats In The Country

ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતે દેશભરમાં ચર્ચા : દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી પલસાણાની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતે દેશભરમાં ચર્ચા
Published by: OBS Bureau
Last Updated: May 21, 2025, 04:28 PM IST

પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. ગુજરાત અને સમગ્ર દેશમાં ઈ-ગવર્નન્સમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનાર પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી “Grassroot Level Initiatives for Deepening/Widening of Service Delivery” માટે આ એવોર્ડ આપવામાં આવશે. જે વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાર ‘૨૮મી નેશનલ ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ’ દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે.


પલસાણા ગ્રામ પંચાયતે લોકસેવા પહોંચાડવાની પદ્ધતિમાં ડિજિટલ રૂપાંતર લાવીને પારદર્શિતા, ઝડપ અને કાર્યક્ષમતા વધારવાનું કાર્ય કર્યું છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી સ્થાનિક નાગરિકોને સુગમ અને અસરકારક સેવાઓ સુલભ બનાવી છે, જેને કારણે આ ગામ દેશભરમાં ઉદાહરણરૂપ બન્યું છે. પલસાણા ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦% વેરા વસુલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. વધુમાં ગ્રામ પંચાયત કક્ષાએ વી.સી.ઈ. અને તલાટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અંદાજિત ૧૭,૪૮૪ જેટલી ઓનલાઈન સેવાઓ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી.


“Secure Palsana” અંતર્ગત પલસાણા ગ્રામ પંચાયતે ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે ૭૫ જેટલા સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરી છે. ગ્રામ પંચાયત દ્વારા ડોર -ટુ-ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી નમૂનેદાર છે. ગ્રામજનો માટે હાલમાં ઈ-લાયબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે. સરપંચ પ્રવીણભાઈ આહિર અને ઉપસરપંચ પરેશભાઈ મૈસુરીયાના અથાગ પ્રયત્નો અને ગ્રામજનોના હિતને સર્વોપરી રાખીને કામ કરવાની ભાવના થકી ગ્રામ પંચાયત પલસાણા આ એવોર્ડ માટે હક્કદાર બન્યું છે.

તાલુકા-જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ માપદંડોમાં ખરી ઉતરી પલસાણા ગ્રામ પંચાયત
આ એવાર્ડ માટે પલસાણા ગ્રામ પંચાયતને તાલુકા-જિલ્લા-રાજ્યકક્ષાની ચકાસણી કમિટીની કસોટીમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધત્વ કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની કમિટીએ પલસાણાની પ્રત્યક્ષ મુલાકાત લઈને મુલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ અને પબ્લિક ગ્રીવન્સ-ન્યુ દિલ્હી રચિત રાષ્ટ્રીય કક્ષાની જ્યુરી પેનલ સમક્ષ પલસાણા ગ્રામ પંચાયતની કામગીરીનું મૂલ્યાંકન થયું જેમાં દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતે બાજી મારી છે.
આ અવસરે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે, પલસાણા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળવો સુરત જિલ્લા અને રાજ્ય સરકાર માટે અત્યંત ગૌરવપ્રદ છે. રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા મળશે.જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, અમે પલસાણાની કાર્યપદ્ધતિને અન્ય ગ્રામ પંચાયતોમાં પણ અમલમાં મૂકવા પ્રયાસ કરીશું, જેથી વધુમાં વધુ લોકોને ઈ-ગવર્નન્સનો લાભ મળી શકે. અમારું લક્ષ્ય છે કે ડિજિટલ ગવર્નન્સ ગ્રામ્ય સ્તર સુધી પહોંચે અને જનસેવા વધુ શક્તિશાળી બને.


આમ, રાષ્ટ્રીય એવોર્ડ માટે થયેલી પસંદગી એ પલસાણા માટે જ માત્ર ગૌરવની ક્ષણ નથી, પણ સમગ્ર રાજ્ય માટે જનસેવા અને ડિજીટલ ગવર્નન્સની સફળતાનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. જે સાબિત કરે છે કે, ગ્રામ્ય સ્તરે ટેકનોલોજીથી લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now