Home Gujarat Gujarats Historic Achievement In The Field Of Climate Change First State In The Country To Launch Climate Action Tracke

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત : ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 12:50 PM IST

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે મક્કમતાથી આગળ વધી રહી છે. ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૪૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ક્લાયમેટ ચેન્જ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.‌ તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ગુજરાત - ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ શરૂ કર્યો. જેના કારણે ગુજરાત આ વિભાગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય તરીકે પર્યાવરણીય સંરક્ષણમાં નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે. ‘माता भूमिः पुत्रोऽहम् पृथिव्याः’ ‘પૃથ્વી આપણી માતા છે, અને આપણે તેના બાળકો છીએ.’

મંત્રીએ‌ કહ્યું કે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલી પ્રકૃતિના સંરક્ષણના વિચારને વરેલી રાજ્ય સરકાર વર્ષ ૨૦૪૭ સુધીમાં નેટ-ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. આ દિશામાં ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં હાલમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૧૫,૧૯૭ મેગાવોટ અને સૌર ઊર્જાની ક્ષમતા ૨૭,૪૮૬ મેગાવોટ પર પહોંચી છે. આમ, કુલ ૪૪,૯૧૬ મેગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

પર્યાવરણ સુરક્ષામાં ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે 'ગુજરાત ક્લાઈમેટ એક્શન ટ્રેકર' પોર્ટલ દ્વારા દેશનું પ્રથમ જિલ્લાસ્તરીય ક્લાઈમેટ એક્શન ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને સ્વચ્છ મોબિલિટીનો ડેટા પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવી નાગરિકો અને સંશોધકોને ડેટા આધારિત નિર્ણય લેવા સક્ષમ બનાવવામાં આવ્યા છે. રાજ્યની સરકારી ઇમારતોને સૌર ઊર્જાથી સજ્જ કરવાની ઝૂંબેશ હેઠળ અત્યાર સુધીમાં ૫,૩૭૭ ઇમારતો પર ૮૭ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે.

વધુમાં, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૧૫થી શરૂ કરાયેલ સબસિડી યોજના હેઠળ અત્યાર સુધી ૫૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૬૩ કરોડની સીધી સહાય પૂરી પાડવામાં આવી છે. ત્રિ-ચક્રી વાહનો માટે પણ રૂ. ૪૮,૦૦૦ પ્રતિ વાહન સબસિડી આપવામાં આવે છે, જેનો લાભ હજારો નાગરિકોએ લીધો છે. ગ્રામીણ અને સંસ્થાકીય સ્તરે ઊર્જાની બચત માટે ૬૬૯ થી વધુ બાયોગેસ પ્લાન્ટ અને ૧૦,૮૧૭ થી વધુ સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ સ્થાપવામાં આવી છે, જે લાકડાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. આ ઉપરાંત, આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ૨૨.૯૨ લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાની સોલાર વોટર હીટિંગ સિસ્ટમ કાર્યરત છે, જે પ્રદૂષણ ઘટાડવા સાથે વીજળીની બચત પણ કરે છે.

મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મિશન LiFE અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે કલેક્ટરઓ મારફત જિલ્લા સ્તરે ગ્રાન્ટ ફાળવીને કામગીરી કરવામાં આવી રહી છે. પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ૧૯ વ્યક્તિઓ અને સંસ્થાઓને ગત વર્ષે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિવાય, વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ક્લાયમેટ ચેન્જ વિભાગ માટે કરવામાં આવેલી નવી જોગવાઈઓની વિગતો આ મુજબ છે:

• મિશન લાઇફ મોડ્યુલ્સ: મિશન લાઇફ હેઠળ ક્લાઇમેટ ચેન્જ અંગેના શૈક્ષણિક અને જાગૃતિ મોડ્યુલો બનાવવા માટે રૂ. ૯.૩ કરોડ ની જોગવાઈ

• ગ્રીન સ્ટાર્ટઅપ એક્સેલરેશન સ્કીમ (GSAS): પર્યાવરણ ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે

• IOT આધારિત મોનિટરિંગ: સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા થતા ઊર્જા ઉત્પાદન અને ઉપયોગની દેખરેખ માટે IOT સિસ્ટમ વિકસાવવા રૂ. ૩.૫ કરોડની જોગવાઈ

• ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો પર સોલાર: રાજ્યના વીજળી આધારિત સ્મશાનગૃહો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા સહાય પેટે રૂ. ૬.૦ કરોડની નવી જોગવાઈ

• વિદ્યાર્થીઓ માટે ઇ-વ્હીકલ સહાય: ૧૬ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને બેટરી સંચાલિત દ્વિચક્રી (લૉ સ્પીડ) વાહનોની ખરીદી માટે રૂ. ૧૧.૦ કરોડની નવી જોગવાઈ

• બાયોગેસ પ્લાન્ટ સહાય: આગામી વર્ષમાં ૭૦ વિવિધ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૧૨ કરોડ ની સબસીડી સહાયની જોગવાઈ

• સુધારેલી સ્મશાનભઠ્ઠી: વર્ષ ૨૦૨૬-૨૭માં વધુ ૧૨૦૦ સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા માટે રૂ. ૭ કરોડની ફાળવણી

• સોલાર વોટર હીટિંગ: નવી સોલાર વોટર હીટીંગ સિસ્ટમ્સ લગાડવા માટે રૂ. ૩.૦ કરોડની જોગવાઈ કરવામાં આવી

• મિશન લાઇફ જિલ્લા સ્તરે: જિલ્લાઓમાં ક્લાઇમેટ ચેન્જની અસર ઘટાડવા અને મિશન લાઇફની યોજનાઓ માટે રૂ. ૫.૦ કરોડની જોગવાઈ.

આમ, ક્લાયમેટ ચેન્જ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ માટેની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now