Trump Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદશે અને રશિયા પાસેથી શસ્ત્રો અને તેલ ખરીદવા બદલ તેના પર દંડ પણ લાદશે. જે અંતર્ગત ભારત ટ્રમ્પના ટેરિફનો ટેરર જોવા મળશે. આજે સવારે શેર માર્કેટ ખુલતાની સાથે જ 600 પોઈન્ટ કરતા વધુ ગેપડાઉન જોવા મળ્યો હતો. જેને કારણે રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવશે.
એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી મોદીને પોતાના મિત્ર ગણાવે છે. ત્યારે બીજી તરફ ટ્રમ્પ જ ભારત પર ટેરિફનો વધારાનો ભાર નાંખી રહ્યાં છે. જો તમારે આ મુદ્દો સમજવો હોય તો છ મહિના પહેલાંની સ્થિતિને પણ જાણવાની જરૂર છે. ફેબ્રુઆરી 2025માં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર વાતચીત શરૂ થઈ હતી. એ વાતને 6 મહિના કરતા વધુ સમય વીતી ગયો છતાં પણ બંને દેશો હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. આટલી લાંબી વાટાઘાટો પછી પણ બંને દેશો વચ્ચે વેપાર સોદો કેમ ન થઈ શક્યો તેના સંભવિત કારણો પણ આપણે જાણવાની જરૂર છે.
બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત પર 25% ટેરિફ લાદવાનું એક કારણ બ્રિક્સ પણ છે. BRICS અમેરિકા વિરોધી દેશોનો સમૂહ છે. ભારત પણ તેનો સભ્ય છે. આ ડોલર પર હુમલો છે અને અમે કોઈને ડોલર પર હુમલો કરવા દઈશું નહીં.
આ ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહ્યુંકે, થોડી વિચિત્ર વેપારની સ્થિતિને કારણે છે. આપણી પાસે મોટી ખાધ છે. પીએમ મોદી મારા મિત્ર છે, પરંતુ તેઓ વ્યવસાયની દ્રષ્ટિએ આપણી સાથે બહુ કંઈ કરતા નથી. તેમનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે. હવે તેઓ તેને ઘણો ઘટાડવા માટે તૈયાર છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો બ્રિક્સ જૂથ ડોલરના વર્ચસ્વને ખતમ કરવાનો પ્રયાસ કરવા માંગે છે. તેમણે ધમકી આપી હતી કે જો તેઓ આમ કરશે તો જૂથના સભ્ય દેશો પર 10% ટેરિફ લાદવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, ટ્રમ્પે પહેલીવાર કોઈ દેશ પર દંડ લગાવ્યો, ભારતે કહ્યું- રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં લશ્કરી સાધનો ખરીદે છે. આવી સ્થિતિમાં જ્યારે રશિયા યુક્રેનમાં હત્યા કરી રહ્યું છે, ત્યારે ભારત અને ચીન તેની પાસેથી સૌથી વધુ ક્રૂડ ખરીદી રહ્યા છે. ભારતે આ માટે ટેરિફની સાથે દંડ પણ ચૂકવવો પડશે. ટ્રમ્પે પહેલીવાર કોઈ દેશ પર દંડની જાહેરાત કરી છે.
કેમ ટ્રમ્પે ભારત પર નાંખ્યો ટેરિફનો ટેરર?
વિશ્વભરના દેશો સાથે ન્યાયસંગત વેપારના દાવા કરતા ટ્રમ્પે પ્રથમ વખત ભારત સામે દંડાત્મક ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે સ્પષ્ટ કહ્યું છે કે કૃષિ અને ડેરી ક્ષેત્ર એ દેશની રેડ લાઈન છે. આ ક્ષેત્રો દેશના લાખો ખેડૂતો અને ગ્રામિણ જીવનતંત્ર સાથે જોડાયેલા છે અને તેમાં છૂટછાટ ન આપી શકાય. અમેરિકા ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવા માગે છે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. આ ઉપરાંત, ભારત તેના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) પ્રત્યે વધુ સાવધ રહી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા ઈચ્છે છે કે ભારત તેને પોતાના કૃષિ અને ડેરી બજારના દરવાજા ખોલી આપે, જ્યારે ભારતના માટે આ તેની સાંસ્કૃતિક અને આર્થિક નીતિઓ સાથે સંકળાયેલો મુદ્દો છે. બીજી બાજુ, ભારત પણ ઇચ્છે છે કે તેના MSME, ટેક્સટાઈલ, ચામડા અને જ્વેલરી ઉદ્યોગોને અમેરિકન બજારમાં વધુ પ્રવેશ મળે.
ટ્રમ્પની ટેરિફ નીતિ સામે ભારતે કહ્યું- રાષ્ટ્રીય હિત સર્વોપરીઃ
આ પગલાંએ ભારત માટે નવા વેપાર સમીકરણો ઊભા કર્યા છે. ભારત આર્થિક હિતોને સર્વોચ્ચ માનતા પોતાની સ્થિતિને મજબૂતીથી સાચવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારત ક્યારેય એવા કરારમાં હસ્તાક્ષર નહીં કરે, જે ફક્ત અમેરિકન હિતો માટે હોય. આ ઘટના ભારતની આર્થિક સ્વાયત્તતા અને વ્યૂહાત્મક ચાતુર્યનો જીવંત પુરાવા છે.
આ ટેરિફ શું છે?
ટેરિફ એ એક બોર્ડર ફી અથવા ટેક્સ છે. જે વિદેશથી આવતા માલ પર લાદવામાં આવે છે. આના કારણે, સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થાય છે. ટેરિફને કારણે સરકારની આવક પણ વધે છે. તેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી ઉદ્યોગોનું રક્ષણ કરવાનો છે.
ટ્રમ્પના ટેરિફની ભારત પર શું અસર થશે?
ટ્રમ્પે 25% ટેરિફ લગાવતાં 1 ઓગસ્ટથી નેચરલ હીરાના એક્સપોર્ટ પર 10,500 કરોડ રૂપિયા અને લેબગ્રોન પર 1,470 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. ગત વર્ષે 42,000 કરોડ રૂપિયાના નેચરલ અને 5800 કરોડ રૂપિયાના લેબગ્રોન ડામયંડ અમેરિકા એક્સપોર્ટ થયા હતા. જોકે, હવે નવા ટેરિફના કારણે આ એક્સપોર્ટ બિઝનેસમાં મોટો ઘટાડો જોવા મળશે. અત્યાર સુધી અમેરિકામાં જેમ એન્ડ જ્વેલરી પર આ રીતે ટેરિફ હતો. ઉલ્લેખનિય છે કે, ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રી છેલ્લાં 3 વર્ષથી મંદીમાંથી પસાર થઈ રહી છે, ત્યાં અમેરિકન સરકારે 25 ટકા ટેરિફ લાદવાની જાહેર કરતાં સૌથી મોટી અસર આ ઈન્ડસ્ટ્રીને થશે.
ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર વિવાદ અને બન્ને દેશો શું ઈચ્છે છે એ પણ સમજીએઃ
કૃષિ અને ડેરી ક્ષેત્રમાં તફાવત:
અમેરિકા ભારત પાસે કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે બજાર ખોલવાની માંગ કરી રહ્યું છે. ભારતે આ ક્ષેત્રોને રેડ લાઇન જાહેર કરી છે, કારણ કે તે સ્થાનિક ખેડૂતો, ખાદ્ય સુરક્ષા અને સાંસ્કૃતિક લાગણીઓથી જોડાયેલી છે. ખાસ કરીને, ભારતીયો માટે એવી ડેરી પ્રથાઓ અપવાદરૂપ છે જ્યાં પશુઓને માંસાહારી આહાર આપવામાં આવે છે.
ટેરિફ વિવાદ:
ભારત પહેલાંથી જ US દ્વારા સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ પર લાદવામાં આવેલાં ટેરિફથી મુક્તિ માગે છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત કેટલાક ક્ષેત્રોમાં શૂન્ય ટેરિફ સ્વીકારે.
બજાર પ્રવેશની માંગઃ
ભારત ઈચ્છે છે કે તેના કાપડ, જ્વેલરી, ચામડા અને પ્લાસ્ટિકના ઉત્પાદનોને અમેરિકન બજારમાં વધુ સ્થાન મળે. અમેરિકા નોન-ટેરિફ અવરોધો દૂર કરાવવા માંગે છે.
રાજકીય દબાણ અને હિતોની રક્ષાઃ
ભારત કોઇ એવો કરાર નહીં કરે જે ફક્ત અમેરિકા માટે લાભદાયી હોય. ખેડૂત સંગઠનો અને નાગરિક સમાજનો દબાણ પણ સરકાર પર છે.
ટ્રમ્પના નિવેદનો અને નીતિઃ
ટ્રમ્પે કહ્યું છે કે ભારતમાં અમેરિકન ઉત્પાદનો પર ટૂંક સમયમાં શૂન્ય ટેરિફ લાગુ થશે. ઇન્ડોનેશિયા મોડલ મુજબ વેપાર કરાર માટે વાતચીત ચાલુ છે.
આગામી વાટાઘાટોઃ
દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો માટે યુએસ અધિકારીઓની ટીમ 25 ઓગસ્ટે ભારતની મુલાકાત લેશે. બંને દેશો સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં વેપાર કરારોના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છે. જેમાં વેપાર કરારના પહેલા તબક્કે બન્ને દેશો વચ્ચે સંમતિ થવાની આશા સેવાઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આયાત ટેરિફથી વર્લ્ડ ઈકોનોમિ પર માઠી અસર પડી છે. જેનો ભોગ હવે ભારત પણ બન્યું છે. કારણકે, આ વખતે પીએમ મોદી સાથેની દોસ્તીના સંબંધોને સાઈટમાં મુકીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફનો ભારે દાવ નાંખ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના આંકડાઓ મુજબ, ટ્રમ્પના ટેરિફ નિર્ણયો ભારત માટે કરોડો રૂપિયાનું નુકસાન લાવી શકે છે.
અર્થવ્યવસ્થા પર સીધી અસર:
અહેવાલ અનુસાર, 25% ટેરિફના કારણે ભારતમાં વાર્ષિક આશરે ₹61,000 કરોડથી ₹72,000 કરોડ સુધીની આર્થિક હાનિ થઈ શકે છે. આ માત્ર નિકાસકર્તાઓ માટે નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ચિંતાજનક છે.
નિકાસ મોંઘી પડશે:
ટેરિફ વધવાથી ભારતીય માલની કિંમત અમેરિકન બજારમાં વધી જશે. તેના કારણે ખાસ કરીને ખાદ્ય પદાર્થો, કાપડ, ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સ જેવી ઊદ્યોગોમાં સ્પર્ધા ઘટશે. વપરાશકર્તાઓ વિકલ્પરૂપે અન્ય દેશોની તરફ દોરી શકે છે, જેનાથી નિકાસ ઘટાડાશે.
વેપાર સરપ્લસ પર અસર:
આમ તો ભારતને અમેરિકાની સાથે વેપાર સરપ્લસનો લાભ મળતો રહ્યો છે, કારણ કે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો ઓછા ટેરિફ સાથે પ્રવેશતા હતા. હવે આ ટેરિફ વધે, તો ભારતનો નફો ઘટી શકે છે અને વ્યાપાર સંકોચાઈ શકે છે.
રૂપિયો નબળો પડશે:
જેમ જેમ આયાત વધી શકે છે અને ડોલરની માગ વધશે, તેમ તેમ ભારતીય રૂપિયો નબળો પડે તેવી સંભાવના છે. પરિણામે, વિદેશી માલસામાન ખરીદવો મોંઘો પડે અને આયાત ખર્ચ પણ વધી શકે છે.
આયાતમાં વધારો અને સ્થાનિક ઉદ્યોગો પર દબાણ:
જો ભારત ઉત્તરપ્રતિસાદરૂપે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડે, તો તે માલ ભારત માટે વધુ સસ્તું બની જશે. આથી સ્થાનિક બજારમાં આયાત વધશે, જે ભારતીય ઉત્પાદકો માટે સ્પર્ધા ઊભી કરશે અને ઘરેલુ ઉદ્યોગો માટે ઝંખનીય સ્થિતિ ઊભી કરશે. ટ્રમ્પના ટેરિફ નીતિનો કકળાટ નિકાસકર્તાઓ પૂરતો સીમિત નથી, પણ તે ભારતની મૂદ્રા, વેપાર સંતુલન અને રોજગાર પર પણ લંબાય છે. આવી સ્થિતિમાં ભારત માટે વ્યૂહાત્મક નીતિ અપનાવવી જરૂરી છે – જેમાં નિકાસવધારાની નવી બજારો શોધવી, આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવો સામેલ છે.
ટ્ર્મ્પના ટેરિફની ભારતના કયા-કયા સેક્ટર પર કેવી અસર પડશે?
અમેરિકા દ્વારા લાદવામાં આવેલ 25% ટેરિફ ભારત માટે ગંભીર પડકાર સર્જી શકે છે, ખાસ કરીને કૃષિ અને નિકાસ આધારિત ઉદ્યોગોમાં. ભારત અને અમેરિકાની વચ્ચે અંદાજે ₹800 કરોડનો કૃષિ વેપાર થાય છે, જેમાં ભારત ચોખા, ઝીંગા, મધ, એરંડા તેલ જેવી વસ્તુઓ નિકાસ કરે છે. આ નિકાસ હવે મોંઘી પડી શકે છે, કારણ કે યુએસમાં ભારતીય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ 5.3%માંથી 25% થઈ જશે.
GTRIના અહેવાલ મુજબ, અગાઉથી જ ભારત દ્વારા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 37.7% ટેરિફ વસૂલાતી હતી. હવે અમેરિકન પ્રતિકારરૂપ પગલાંથી ભારતીય ઉત્પાદકો પર વધુ ભાર પડશે. ખાસ કરીને નાના ખેડૂતોની આવક પર નકારાત્મક અસર પડશે, કારણ કે નિકાસ ઘટશે અને વિશ્વબજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે. ટેરિફનો પ્રભાવ ફક્ત કૃષિ સુધી મર્યાદિત નથી. નીચેના પાંચ ક્ષેત્રો પણ ભારે અસર હેઠળ આવશે.
ટેરિફની આ પાંચ સેક્ટર પર પડશે સૌથી મોટી અસરઃ
1) હીરા અને ઝવેરાત – ભારતનો સૌથી મોટો નિકાસ ક્ષેત્ર.
2) કાર અને કાર એસેસરીઝ – ઓટોમોબાઈલ ક્ષેત્રની નિકાસ ધીમી પડી શકે છે.
3) રિફાઈન્ડ પેટ્રોલિયમ – ઊંચા ટેરિફના કારણે આયાતકર્તા નવા સ્ત્રોત શોધી શકે.
4) રેડીમેડ ગાર્મેન્ટ્સ – ખર્ચ વધવાથી સ્પર્ધાત્મકતા ઘટશે.
5) પ્રસારણ અને ટેલિકોમ પ્રોડક્ટ્સ – ટેકનોલોજી ક્ષેત્રમાં ભાવ વધારા સાથે નિકાસ ઘટી શકે છે.
આ ટેરિફ માત્ર વેપારમાં અટકાવ નહીં ઊભો કરે, પણ સાથો-સાથ દેશના લાખો ભારતીય કામદારો અને ખેડૂતોની રોજગારી પર પણ તેની સીધી અસર પડી શકે છે.





















