Home Gujarat Gujaratgovernment Action Mode Against Schools Charging Exorbitant Fees Fine Up To 10 Lakh

વાલીઓ માટે રાહતના સમાચાર : બેફામ ફી વસૂલતી શાળાઓ સામે ગુજરાત સરકારની લાલઆંખ, નિયમ તોડનારને થશે 10 લાખ સુધીનો દંડ

વાલીઓ માટે રાહતના સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 02:46 PM IST

Gujarat Government: ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી મનસ્વી ફી પર લગામ લગાવવા માટે રાજ્ય સરકાર હવે 'એક્શન મોડ'માં આવી ગઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં લેવાયેલા આ કડક નિર્ણયથી રાજ્યભરના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નિયમ તોડનાર શાળાઓને થશે ₹10 લાખ સુધીનો દંડ

તાજેતરમાં વિધાનસભામાં શિક્ષણ રાજ્ય મંત્રીરિવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ પણ શાળા ફી નિયમન સમિતિ (FRC) ના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડકમાં કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. સરકારની નવી જોગવાઈ મુજબ જો કોઈ શાળા પ્રથમ વાર નિયમભંગ કરતા ઝડપાશે, તો તેને ₹5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ઉલ્લંઘન કરવા પર દંડની રકમ વધારીને₹10 લાખ સુધી કરવામાં આવશે.જો ત્રીજી વાર ફરિયાદ સાચી ઠરશે, તો સરકાર તે શાળાની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેશે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમોનું ઉલ્લંઘન કરનારી 10થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.

બધા જ બોર્ડની શાળાઓ FRC ના દાયરામાં...

ઘણીવાર વાલીઓને મૂંઝવણ હોય છે કે આ નિયમો કઈ શાળાઓને લાગુ પડે છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ-પ્રાથમિક (Pre-primary) થી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ સ્વનિર્ભર શાળાઓ માત્ર ગુજરાત બોર્ડ જ નહીં, પરંતુ CBSE અને ICSE જેવા કેન્દ્રીય બોર્ડ સાથે જોડાયેલી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓએ પણ FRCના નિયમોનું પાલન કરવું જ પડશે.

ગુપ્ત ફરિયાદની સુવિધા અને ઓનલાઇન પારદર્શિતા

વાલીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શિક્ષણ વિભાગે પ્રક્રિયાને અત્યંત સરળ અને પારદર્શક બનાવી છે. કોઈપણ શાળાની સરકાર દ્વારા નક્કી થયેલી ફી કેટલી છે, તે વાલીઓ FRCના ઓનલાઇન પોર્ટલ પર ચેક કરી શકે છે. જો કોઈ વાલીને લાગે કે શાળા વધુ ફી વસૂલી રહી છે, તો તેઓ પોતાનું નામ જાહેર કર્યા વગર પણ ફરિયાદ નોંધાવી શકે છે. શિક્ષણ વિભાગ આવી ફરિયાદો પર ગંભીરતાથી તપાસ કરીને કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 એપ્રિલ 2017થી ફી રેગ્યુલેટરી કમિટી (FRC) કાર્યરત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણનું સ્તર જાળવી રાખવાનો અને ફીનું શોષણ અટકાવવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now